વોશિંગ્ટનઃ ભારત પ્રવાસના પહેલાં અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાતના ઠીક બે દિવસ પહેલાં વ્હાઇટ હાઉસે ભાર દઈને કહ્યું હતું કે બંને પડોશી દેશો (ભારત અને પાકિસ્તાન) વચ્ચે સફળ વાતચીત ત્યારે જ સંભવ થશે, જ્યારે પાકિસ્તાન પોતાની જમીન પર પોષી રહેલા આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓનો પર સકંજો કસશે. પાછલા વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધી ગયું હતું. ભારતના નિર્ણયની સામે પાકિસ્તાને તીખી પ્રતિક્રિયાઓ આપી હતી, જે પછી પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબંધોને ઓછા કર્યા હતા અને ભારતીય રાજદૂતને પાકિસ્તાનમાંથી પાછા મોકલી આપ્યા હતા.
ભારત-પાક સંબંધો અંગે વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા
ટ્રમ્પની આગામી ભારત યાત્રા દરમ્યાન કાશ્મીર મુદ્દે ફરી મધ્યસ્થતાની રજૂઆત કર્યાના સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વાઇટ હાઉસના એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મને લાગે છે કે તમે રાષ્ટ્રપતિ પાસેથી જે સાંભળશો, એ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવા ઘણું પ્રોત્સાહક હશે. તેમનું સંબોધન બંને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવા અને એકબીજાની સાથે દ્વિપક્ષી વાટાઘાટ માટે બહુ મહત્ત્વના રહેશે.
પાકિસ્તાન આંતકવાદીઓ પર લગામ તાણે
વાઇટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે અમારું હંમેશાં માનવું છે કે બંને દેશો (ભારત-પાકિસ્તાન)ની વચ્ચે સફળ વાટાઘાટ ત્યારે જ સંભવ બનશે જ્યારે પાકિસ્તાન તેની જમીન પર ફૂલીફાલી રહેલા આંતકવાદનો સફાયો કરે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને દેશોથી નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા બનાવવા માટે એવા કાર્યવાહી અને નિવેદનોથી બચવા માટે રજૂઆત કરશે, જેથી આ ક્ષેત્રમાં ટેન્શન વધે નહીં.