ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ઈમરાન ખાન સરકારની વાસ્તવિકતા જણાવતા કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર પર સેનાનું પ્રભુત્વ છે. અબ્બાસીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની સેના ત્યાંના રાજકારણ અને રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં દખલ કરે છે.શાહિદ ખાકાન અબ્બાસી પાકિસ્તાન મુસ્લિમ લીગના (પીએમએલ-નવાઝ) નેતા છે. અને જૂન 2008માં યોજાયેલી ચૂંટણીઓમાં તેમના ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેના લીધે વિવાદ પણ સર્જાયો હતો. એ સમયે પણ પીએમએલના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનની સેના દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહી છે.
નવાઝ શરીફ, તેમની દીકરી મરિયન નવાઝ અને જમાઈ કેપ્ટન સફદરનો જેલમાંથી છુટકારો થયાના થોડા દિવસ થયા છે ત્યારે પૂર્વ પીએમ શાહિદ અબ્બાસીએ ફરીવાર આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાનના રાજકારણમાં ત્યાંની સેના મુખ્ય ખેલાડીનો ભાગ ભજવી રહી છે. સ્થાનિક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શાહિદ અબ્બાસીએ કહ્યું કે, ‘મીડિયા પર નિયંત્રણ મુકવામાં આવી રહ્યું છે’.
જોકે પાકિસ્તાની સેનાએ હમેશા એ વાતથી ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાનના રાજકારણમાં સેના કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી. હાલમાં જ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના એક સપ્તાહ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરવા દરમિયાન ડીજી આઈએસપીઆર આસિફ ગફૂરે કહ્યું હતું કે, ‘ચૂંટણીમાં સેનાની કોઈ જ પ્રત્યક્ષ ભૂમિકા નથી’.
જોકે વિરોધ પક્ષોએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો હતો કે, હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાનની મદદ કરી હતી. જેના લીધે જ તેમની પાર્ટી PTIને ચૂંટણી જીતવામાં સફળતા મળી હતી. શાહિદ ખાકાન અબ્બાસીએ એવા સંકેત આપ્યા કે પાકિસ્તાનમાં સત્તા કાયદાથી પણ ઉપર છે. તેમણે જણાવ્યું કે, ‘અમે એ વાતનો અનુભવ કર્યો છે કે, જ્યારે કોઈ તેમની સંવૈધાનિક ભૂમિકાથી આગળ વધવા પ્રયાસ કરે છે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે’.
વધુમાં અબ્બાસીએ કહ્યું કે, નવાઝ શરીફ અને તેમના પરિવારને જેલમાંથી છોડાવવા માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી. અબ્બાસીએ કહ્યું કે, ‘અમે અમારી રાજકીય નીતિઓ સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ’.