સાઉદી અરેબિયા, UAE પર મિસાઈલ હુમલા કરવાની ઈરાને ધમકી ઉચ્ચારી

તહેરાન- ઈરાનમાં કટ્ટરપંથી રિવોલ્યૂશનરી ગાર્ડ્સના એક નજીકના ગણાતા મીડિયા સંગઠને ગતરોજ એક વીડિયો જારી કર્યો છે. જેમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાતની રાજધાનીઓ પર મિસાઈલ હુમલા કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. જેનાથી ઈરાનમાં લશ્કરી પરેડ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ફરીથી પ્રાદેશિક તણાવ વધે તેવી શક્યતા જણાઈ રહી છે.અર્ધ સરકારી ફૉર્સ સમાચાર એજન્સીએ વીડિઓને પહેલા ટ્વીટ કર્યો અને બાદમાં તેને હટાવી દેવામાં આવ્યો. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખમનેઈએ ગતરોજ અહવાજ શહેરમાં કરવામાં આવેલા હુમલા માટે રિયાધ અને અબુ ધાબીને જવાબદાર ગણાવ્યા હતા. આ હુમલામાં આશરે 25 લોકોના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઈરાનમાં કટ્ટરપંથી રિવોલ્યૂશનરી ગાર્ડ્સના નજીકતના મીડિયા સંગઠન દ્વારા જે વીડિયો જારી કરવામાં આવ્યો છે તેમાં રિવોલ્યૂશનરી ગાર્ડ્સ દ્વારા પહેલા કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ એક ગ્રાફિક્સના માધ્યમથી સંયુક્ત અરબ અમિરાતમાં અબુ ધાબી અને સાઉદી અરેબિયામાં રિયાધ પર સ્નાઈપર રાઈફલ દ્વારા ટાર્ગેટ કરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયોમાં ઈઝરાયલને પણ ધમકી આપવામાં આવી છે.