નવી દિલ્હીઃ દેશોએ સ્કૂલો ખોલવા માટે વ્યાપક રસીકરણ માટે રાહ જોવાની જરૂર નથી, કેમ કે વૈજ્ઞાનિક પુરાવા સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકોમાં કોવિડ-19ના સંક્રમણની આશંકા ઓછી છે, એમ વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું. વિશ્વમાં સ્કૂલો ખોલવામાં આવી છે તેવા દેશોના અનુભવમાંથી માલૂમ પડ્યું છે કે પૂરતી સુરક્ષા વ્યૂહરચનાની સાથે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને સમાજમાં વાઇરસ ફેલાવાનું ઓછું જોખમ છે.
વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે હાલમાં ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે નાનાં બાળકોને કોરોના ચેપ લાગવાની ઓછી શક્યતા છે, તેઓ ગંભીરપણે બીમાર પડે અથવા મૃત્યુ થાય તેવી શક્યતા પણ ઓછી છે. ઘણી કેટલાક દેશોમાં સ્કૂલોને સુરક્ષાનાં પગલાં સાથે ફરી ખોલવાના અનુભવ દર્શાવે છે કે શિક્ષણ સંસ્થાઓએ સ્કૂલો ફરી ખોલવા માટે તેના સ્ટાફ કે સમાજમાં બીજા પુખ્ત લોકોમાં વ્યાપક રસીકરણ થાય તેની રાહ જોવાની જરૂર નથી. જોકે રસીકરણમાં સ્કૂલ સ્ટાફને અગ્રતા આપી શકાય છે, જેથી સ્કૂલોમાં વાઇરસ ફેલાવાની ચિંતાને હળવી કરી શકાય.
વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે સ્કૂલો બંધ રાખવાથી વાઇરસના ફેલાવાને રોકી શકાય છે, પરંતુ તેનાથી બાળકોના શિક્ષણ તેમના માનસિક આરોગ્ય અને એકંદર વિકાસ સામે જોખમ ઊભું થાય છે. સ્કૂલો બંધ રાખવા સંબંધિત જોખમ તથા સ્કૂલો ફરી ખોલવા સંબંધિત જોખમોના પુરાવા આધારિત અંદાજને આધારે સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય લેવો જોઈએ. કોરોનાને કારણે 188 દેશોથી વધુ દેશોમાં સ્કૂલો બંધ હતી, જેમાં 1.6 અબજ બાળકો સ્કૂલોથી દૂર થઈ ગયા હતા.