લંડનઃ તબીબી વૈજ્ઞાનિક અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ રસીના સહ-સર્જક પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે ચેતવણી આપી છે કે પૃથ્વી પર નવો રોગચાળો ફાટી નીકળશે એ કોરોનાવાઈરસ કરતાં પણ વધારે જીવલેણ અને ચેપી હશે. પ્રો. સારાહે લંડનમાં ગઈ કાલે રાતે યોજાઈ ગયેલા વાર્ષિક રિચર્ડ ડિમ્બલબી વ્યાખ્યાનમાળા કાર્યક્રમમાં પોતાનાં સંબોધનમાં આમ જણાવ્યું હતું. સ્વ. રિચર્ડ ડિમ્બલબી બ્રોડકાસ્ટર, બીબીસીના પ્રથમ યુદ્ધ સંવાદદાતા હતા અને બ્રિટનમાં ટેલિવિઝન સમાચારોના પ્રણેતા હતા.
પ્રો. સારાહે કહ્યું છે કે ખતરનાક વાઈરસો સામેની લડાઈમાં તબીબી વિજ્ઞાને જે પ્રગતિ સાધી છે તે હાલના કોરોના રોગચાળાનો સામનો કરવાના ખર્ચને કારણે ગુમાઈ જવી ન જોઈએ. પૃથ્વીવાસીઓને જોખમમાં મૂકનારો કોરોના કંઈ આખરી વાઈરસ નહીં હોય. સત્ય એ છે કે નવો રોગચાળો આનાથી પણ વધારે ખરાબ હોઈ શકે છે. એ વધારે ચેપી કે વધારે જીવલેણ કે બંને હોઈ શકે છે.