ન્યૂયોર્ક સિટીમાં કોરોના-એલર્ટ ‘મીડિયમ’થી વધારીને ‘હાઈ’ કરાયું

ન્યૂયોર્ક સિટીઃ અમેરિકાનું સૌથી મોટું શહેર એટલે ન્યૂયોર્ક રાજ્યનું ન્યૂયોર્ક સિટી. ત્યાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ તાજેતરના અઠવાડિયાઓમાં વધી ગયા હોવાથી અને હજી ચાલુ રહ્યા હોવાથી કોવિડ-19 એલર્ટ લેવલને ‘મીડિયમ’થી વધારીને ‘હાઈ’ કરવામાં આવ્યું છે.

શહેરના આરોગ્ય કમિશનર અશ્વિન વાસને કહ્યું છે કે, આ રેટિંગનો અર્થ એવો થાય કે ન્યૂયોર્ક સિટીમાં કોવિડ-19નો ઉચ્ચ પ્રમાણમાં કમ્યુનિટી ફેલાવો થયો છે અને શહેરના આરોગ્યતંત્ર ઉપર દબાણ વધી ગયું છે. સમય આવી ગયો છે કે નાગરિકો પોતાનું તથા અન્યોનું બમણા પ્રયાસોથી રક્ષણ કરે. મિત્રો, પડોશીઓ, સગાંસંબંધીઓ તથા સહ-કર્મચારીઓને પણ બીમાર પડતાં રોકે. ગાઈડલાઈન્સમાં, ન્યૂયોર્ક સિટીવાસીઓને તમામ જાહેર ઈન્ડોર સ્થળોએ તેમજ ભીડવાળા આઉડટોર સ્થળોએ મોઢા પર માસ્ક પહેરવું પડશે અને એ રીતે બીમારીને ફેલાતી રોકવી પડશે.