કાઠમંડુઃ પડોશના નેપાળ રાષ્ટ્રમાં આર્થિક મંદી ફરી વળી છે. નેપાળની સેન્ટ્રલ બેન્ક – ‘નેપાલ રાષ્ટ્ર બેન્કે’ આપેલી વિગત અનુસાર દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. નાણાં પ્રધાન જનાર્દન શર્માનો દાવો છે કે દેશમાં કોઈ આર્થિક કટોકટી નથી, તે છતાં કેટલાક આર્થિક નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓએ એવી ચેતવણી આપી છે કે દેશનું અર્થતંત્ર જોખમમાં છે.
નેપાળમાં ફૂગાવાનો દર સરેરાશ 7.14 ટકા છે, જે છેલ્લા 67 મહિનાઓમાં સૌથી ઊંચો છે. દેશની જનતા-ગ્રાહકો મોંઘવારીથી પરેશાન છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત વધી જતાં અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. નેપાળની સરકારે નક્કી કર્યું છે કે રજાના દિવસોએ તમામ સરકારી વાહનોનો ઉપયોગ બંધ રાખવો. એનાથી ઈંધણની આશરે 20 ટકા બચત થાય છે.