લંડનઃ બ્રિટનમાં મંકીપોક્સ વાઈરસના કેસ વધી જતાં આરોગ્ય સુરક્ષા એજન્સીએ એક ટેક્નિકલ અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં દર્દીઓ સાથેની વિગતવાર મુલાકાતોનો સમાવેશ કરાયો છે. એમની વાતચીત પરથી આરોગ્ય નિષ્ણાતોને સમજવા મળ્યું છે કે મંકીપોક્સ કઈ રીતે ફેલાય છે. બ્રિટનની ઈસ્ટ એંગ્લિયા યૂનિવર્સિટીનાં એક્સપર્ટ વાઈરોલોજિસ્ટ પ્રોફેસર પૌલ હંટરે આ રોગના ફેલાવાનાં જોખમો વિશે જાણકારી આપી છે. એમનું કહેવું છે કે નિકટતા અને ઘનિષ્ઠ સંપર્કમાં રહેવાથી મંકીપોક્સનો ચેપ લાગે છે. તેથી લોકોએ એવી વ્યક્તિઓ સાથે નિકટતા ટાળવી જેમને આ ચેપ લાગ્યો હોય. ખાસ કરીને જેમને શરીર પર ફોડલીઓ થઈ હોય.
બ્રિટનમાં મંકીપોક્સના કેસનો આંકડો 366 પર પહોંચ્યો છે. મોટાં ભાગનાં કેસ લંડનમાં (348) નોંધાયા છે. તે ઉપરાંત 12 સ્કોટલેન્ડમાં, બે ઉત્તરીય આયરલેન્ડમાં અને ચાર વેલ્સમાં નોંધાયા છે.