નવી દિલ્હીઃ બંગલાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓની વિરુદ્ધ હિંસાનો દોર જારી છે, ત્યારે ભૂતપૂર્વ PM શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે બંગલાદેશમાં થઈ રહેલી હિંસા માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ જવાબદાર છે. આ ઉપરાંત શેખ હસીનાએ મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસાનો માસ્ટર માઇન્ડ પણ ગણાવ્યા છે.
ભૂતપૂર્વ PM શેખ હસીનાએ અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિરો અને ચર્ચો પર થયેલા હુમલા પાછળ મોહમ્મદ યુનુસનો હાથ છે. તે આ ઘટનાઓ પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે કામ કરી રહ્યા છે. પાંચમી ઓગસ્ટે તખતાપલટા બાદ ભારત આવેલાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે આજે મારા પર નરસંહાર કરવાનો આરોપ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોહમ્મદ યુનુસ આ કરી રહ્યા છે. તે સંપૂર્ણ ડિઝાઇન સાથે કામ કરી રહ્યો છે. તેઓ વિદ્યાર્થી સંગઠનોને નામે સત્તામાં છે.બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બન્યા બાદ પાકિસ્તાન તરફનો ઝુકાવ વધી ગયો છે. બંગબંધુ મુજિબુર રહેમાનની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓફિસોમાંથી તેમની તસવીરો હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, બંગલાદેશની રચનાના હીરો સાથે સંકળાયેલા દિવસોની રજાઓ પણ રદ કરવામાં આવી છે. હિન્દુઓ પર પણ એમ કહીને હુમલા કરવામાં આવી રહ્યા છે કે તેઓ શેખ હસીનાની સરકારના સમર્થક હતા. ઘણી મોટી હિન્દુ હસ્તીઓનાં ઘરો અને પૂજા સ્થાનો પર હુમલાની ઘટનાઓ બની છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના પિતાની જેમ તેમની પણ હત્યા કરવાની યોજના હતી, જેથી તેમણે બંગલાદેશ છોડ્યું છે.