માલ્યા એમ ઝટ ભારત નહીં આવે; પ્રત્યાર્પણ ચુકાદા સામે એ અપીલમાં જવા વિચારે છે

લંડન – 9000 કરોડથી પણ વધુની રકમની કથિત છેતરપીંડી તથા મની લોન્ડરિંગના આરોપ બદલ ભારતમાં જે વોન્ટેડ છે તે ઉદ્યોગપતિ વિજય માલ્યા તેના ભારત પ્રત્યાર્પણ કરવાના બ્રિટનની એક સ્થાનિક અદાલતના ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવા વિચારે છે, એમ માલ્યાની કાનૂની ટીમે સમર્થન આપ્યું છે.

માલ્યાનું ભારત પ્રત્યાર્પણ કરવાનો વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટનાં ચીફ મેજિસ્ટ્રેટ ઈમા એર્બટનોટે ગયા અઠવાડિયે ચુકાદો આપ્યા બાદ 63-વર્ષીય ઉદ્યોગપતિ માલ્યાએ કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તે ચુકાદાની વિગતો પર વિચારણા કરશે અને ત્યારબાદ આગળના પગલા વિશે નક્કી કરશે.

બ્રિટનસ્થિત બુટિક લૉ એલએલપીના પાર્ટનર આનંદ દુબેએ કહ્યું છે કે માલ્યા કોર્ટના ચુકાદા સામે યોગ્ય સમયે અપીલમાં જવાની પરવાનગી આપવામાં આવે એ માટેની અરજી નોંધાવવા વિચારે છે.

ભારત પ્રત્યાર્પણ કેસની કાર્યવાહી દરમિયાન આનંદ દુબે જ માલ્યાના સોલિસીટર રહ્યા છે.

પ્રત્યાર્પણ કરારની પ્રક્રિયા અનુસાર, ચીફ મેજિસ્ટ્રેટના ચુકાદાને બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવિદને મોકલી આપવામાં આવ્યો છે, કારણ કે માલ્યાનું પ્રત્યાપણ કરવાનો આદેશ આપવાની સત્તા આ પ્રધાનને જ છે અને એમણે બે મહિનાની અંદર નિર્ણય લેવાનો રહેશે.

સામાન્ય રીતે, ગૃહ પ્રધાનનો આદેશ કોર્ટના આદેશની વિરુદ્ધમાં ભાગ્યે જ જતો હોય છે, કારણ કે એમણે અત્યંત બારીક શક્યતાને જ ધ્યાનમાં લેવાની હોય છે જ્યારે માલ્યાના કેસમાં એવી કોઈ શક્યતા રહી નથી. ગૃહ પ્રધાન આદેશ આપે ત્યારબાદ પરાજિત પાર્ટી માટે હાઈકોર્ટમાં અપીલ કરવાનો 14 દિવસનો સમય હોય છે.