સ્કૂલોમાં થતી ગોળીબારની ઘટનાને લઈને ટ્રમ્પ પ્રશાસન સ્ટાફને આપશે હથિયાર!

વોશિગ્ટન- અમેરિકાની સ્કૂલોમાં વારં વાર થતી ગોળીબારની ઘટનાઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે એક સુરક્ષા પેનલની રચના કરી છે. આ પેનલે આવી ઘટનાઓને રોકવા માટે ઘણાં સૂચનો આપ્યા છે. જેમાં સ્કૂલ સ્ટાફને હથિયારો આપવા, ગાર્ડ તરીકે સેવાનિવૃત સૈનિકોને રાખવા અને ઓબામા પ્રશાસનના દિશાનિર્દેશોની વિરુદ્ધના સૂચનોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં ફ્લોરિડામાં થયેલી હિંસામાં એક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો જેમાં 17 લોકોના મોત નિપજ્યા હતાં. આ ઘટના બાદ અમેરિકામાં બંદૂક રાખવાની સંસ્કૃતિ પર નિયંત્રણ મુકવા માટે પ્રદર્શનો થયાં હતાં.

આયોગે બંદૂક ખરીદવા માટે ન્યુનતમ ઉંમરમાં વધારો કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના પર આયોગે 180 પેજની એક રિપોર્ટ રજૂ કરી હતી. જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, સ્કૂલોમાં થતી ગોળીબારીની ઘટનામાં મોટાભાગે વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યો અથવા મિત્રોની બંદૂકનો ઉપયોગ કરે છે. આયોગે એક સૂચન એવુ પણ કર્યું હતું જેમાં સેના અને પોલીસના પૂર્વ અધિકારીઓને શિક્ષક તરીકે ભરતી કરવાનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન સમાચાર પત્ર વોશિગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર એપ્રિલ 1999માં કોલમ્બિયન હાઈસ્કુલમાં થયેલી હિંસા પછીથી અત્યાર સુધીમાં 2,19,000 વિદ્યાર્થીઓ ગાળીબારની ઘટનાઓમાં શામિલ હોવાનું સામે આવ્યું છે.