માલદીવમાં ગેરેજમાં આગ લાગતાં 8 ભારતીયોનાં મરણ

માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવના એમ. નિરુફીગે વિસ્તારમાં આવેલા એક મકાનના ગેરેજમાં ગઈ કાલે મધરાત બાદ 12.17 વાગ્યે ભીષણ આગની દુર્ઘટના બની હતી. એમાં આઠ ભારતીયો સહિત 11 જણના કરૂણ મરણ નિપજ્યા છે. આગની જાણ 12.30 વાગ્યે કરવામાં આવી હતી. અગ્નિશામક દળના જવાનો અને બચાવ કામદારો 12.33 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને વહેલી સવારે 4.34 વાગ્યે સંપૂર્ણપણે કાબૂમાં લાવી શકાઈ હતી. આગને બુઝાવી દેવામાં આવ્યા બાદ ત્યાંથી 10 મૃતદેહ મળી આવ્યા હતા. એક ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આગનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

11 મૃતકોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે. અન્ય બે જણની રાષ્ટ્રીયતાની જાણકારી મળી નહોતી. ભોગ બનેલા કેટલાક લોકો એમના રૂમ અને બાથરૂમમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા એક જણની હાલત ગંભીર છે. આગ લાગી હતી એ મકાનમાં ભારતીય, શ્રીલંકન અને બાંગ્લાદેશી માઈગ્રન્ટ કામદારો મોટી સંખ્યામાં રહેતા હતા.