ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરી

ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સિટીના મેનહટ્ટન યૂનિયન સ્ક્વેર ખાતે મૂકવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આઠ-ફૂટ ઊંચી પૂર્ણ કદની કાંસ્યની પ્રતિમાની ગયા શનિવારે કેટલાક અજાણ્યા શખ્સોએ ખંડિત કરી હતી. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયનાં લોકોએ આ ઘટના સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે ગાંધીજીની પ્રતિમાની તોડફોડ ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગનું અપમાન છે. આ બંને નેતાએ નફરતના દૂષણને નાબૂદ કરવા સામાજિક સંઘર્ષ કર્યો હતો.

ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યૂલેટના એક નિવેદનમાં જણાવાયા મુજબ, કોન્સ્યૂલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવાની ગેરપ્રવૃત્તિને વખોડી કાઢી છે. વેદિક ફ્રેન્ડ્સ એસોસિએશનના પ્રમુખ બાલભદ્ર ભટ્ટાચાર્ય દાસ (બેની ટિલમેન)એ જણાવ્યું છે કે હું હિન્દુ ધર્મનો પ્રચાર કરનાર આફ્રિકન અમેરિકન છું. મહાત્મા ગાંધીનું કોઈ અપમાન કરે એને હું સખત વાંધાજનક ગણું છું. ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવવા માટે માર્ટિન લ્યૂથર કિંગને પ્રેરણા આપી હતી. જેને કારણે સમાજમાં મોટા સુધારાવાદી પરિવર્તન આવી શક્યા હતા. હિન્દુ પેક્ટના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ કહ્યું છે કે અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાની તોડફોડ કરવાની ઘટના આ પહેલી વાર નથી બની. કટ્ટર ઈસ્લામવાદીઓ અને દક્ષિણ અમેરિકન સમુદાયોમાં રહેલા એમના સમર્થકો સાથે જોડાયેલા જૂથોએ છેલ્લા અમુક વર્ષોમાં અનેક વાર ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરી છે.

(તસવીર સૌજન્યઃ flickr.com)