દુબઈઃ ઓનલાઈન બેટિંગ (સટ્ટાખોરી)ની મોબાઈલ એપ મહાદેવ એપના બે મુખ્ય માલિકોમાંના એક, રવિ ઉપ્પલની દુબઈમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર ઈન્ટરપોલ સંસ્થાએ ઈશ્યૂ કરેલી રેડ નોટિસના આધારે દુબઈ પોલીસે ઉપ્પલની ધરપકડ કરી છે. 43 વર્ષનો ઉપ્પલને ભારત લાવવા માટે ઈડી સત્તાવાળાઓ દુબઈના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.
ઈડી એજન્સીએ ગેરકાયદેસર સટ્ટાખોરી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલ સામે તપાસ આદરી છે. આ મામલે મુંબઈ અને છત્તીસગઢ પોલીસ પણ તપાસે કરે છે. ઈડી એજન્સીએ ઉપ્પલ ઉપરાંત ઈન્ટરનેટ-આધારિત પ્લેટફોર્મ મહાદેવ એપના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે પણ મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. આ કેસ ગયા ઓક્ટોબરમાં છત્તીસગઢના રાજધાની શહેર રાયપુરમાં સ્પેશિયલ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો.
ઈડીનો આરોપ છે કે ઉપ્પલે આ ગુનામાંથી આવક મેળવી હતી અને તેને છુપાડી હતી. તે ચંદ્રભૂષણ વર્મા નામના એક શખ્સ મારફત છત્તીસગઢના સરકારી અધિકારીઓ અને નેતાઓને ગેરકાયદેસર રીતે નાણાં પહોંચાડતો હતો. આ કેસમાં ગુનાખોરીની રકમ રૂ. 6,000 કરોડ જેટલી થવા જાય છે.