જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સમુદ્રકિનારે સુનામીની ચેતવણી

ટોક્યોઃ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સ્થાનિક મિડિયાના અહેવાલો અનુસાર સોમવારે ઉત્તરીય મધ્ય જાપાનમાં 7.6 ટકાનો ભૂકંપ નોંધાયો છે. જાપાનની હવામાન વિત્રાન એજન્સીએ ઇશિકાવા, નિગાટા અને ટોયામા પ્રાંતના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરી છે. મોસમ એજન્સી અનુસાર ભૂકંપને કારણે પાંચ મીટર સુધી ઊંચી લહેરો ઇશિકાવા પ્રાંતમાં નોટો સુધી પહોંચી રહી છે.

જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર NHKના અહેવાલ અનુસાર ઇશિકાવા પ્રાંતમાં વાજિમા શહેરના તટે એક મીટરથી વધી ઊંચી લહેર ઊઠી હતી. હોકુરુકુ ઇલેક્ટ્રિક પાવરે કહ્યું હતું કે એ ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઈ ક્ષતિ નથી થઈ એની તપાસ કરી રહ્યા છે.

હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સુનામીને કારણે સમુદ્રનાં મોજાં પાંચ મીટર ઊંચાં ઊછળી શકે છે. એટલા માટે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની બિલ્ડિંગોની ટોચ પર ભાગવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. કોસ્ટલ એરિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા ટોક્યો અને સમગ્ર કાંટો વિસ્તારમાં અનુભવાયા છે.

જાપાનમાં માર્ચ 2011માં નવની તીવ્રતાવાળા વિનાશક ભૂકંપના કારણે મોટી સુનામી આવી હતી. ભૂકંપ બાદ આવેલી સુનામીએ ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને તબાહ કરી નાખ્યો હતો. આ સુનામીને પર્યાવરણના નુકસાનની દ્રષ્ટિએ એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારે સમુદ્રમાં ઊઠેલા 10 મીટર ઊંચાં મોજાંએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. તેમાં લગભગ 16,000 લોકોનાં મોત થયાં હતાં.