નજરકેદમાંથી છુટ્યા બાદ હાફિઝે કહ્યું, પાકિસ્તાનની આઝાદીની જીત થઈ

લાહોર- મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને લાહોરની હાઈકોર્ટે મુક્ત કરવાનો ઓર્ડર કર્યો છે. મુક્ત થયા બાદ હાફિઝે કશ્મીરની આઝાદીનો રાગ આલાપ્યો હતો. હાફિઝે કહ્યું કે, તે કોઈ પણ ભોગે કશ્મીરને આઝાદ કરાવશે. આપને જણાવી દઈએ કે, હાફિઝને જાન્યુઆરીમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. હાફિઝની મુક્તિથી ભારતમાં 2008માં થયેલા આતંકી હુમલાના મામલે ન્યાયના પ્રયાસને ફટકો લાગ્યો છે.

ચુકાદો આવ્યા બાદ હાફિઝે કહ્યું કે, ભારતના તમામ પ્રયાસો છતાં મને મુક્ત કરવામાં આવ્યો છે. આ માત્ર મારા નહીં પણ પાકિસ્તાનની શાખનો કેસ હતો. ભારતને એ વાતનો અફસોસ હશે. કારણકે પાકિસ્તાન એક આઝાદ વિસ્તાર છે તે સાબિત થઈ ગયું છે. વધુમાં હાફિઝે કહ્યું કે, ભારત મને અથવા કશ્મીરને કોઈ જ નુકસાન પહોંચાડી શકશે નહીં. અમે જલ્દી જ કશ્મીરને આઝાદ કરાવી લઈશું.

હાફિઝની નજરકેદને વધુ ત્રણ મહિના સુધી લંબાવવા માટે પંજાબ સરકારે દાખલ કરેલી અરજીને અમાન્ય કરતા બોર્ડે કહ્યું કે, તેને કોઈ અન્ય કેસમાં અટકાયત હેઠળ રાખવાનો ના હોય તો વર્તમાન અટકાયતનો સમયગાળો પૂરો થતાં સરકાર તેને મુક્ત કરી દે. ઉલ્લેખનીય છે કે, આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાને કારણે પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદ અને તેના ચાર સાથીઓને નજરકેદ કર્યા હતા.