ઈરાને કરી જાહેરાત: ઈરાક અને સીરિયામાંથી ISISનો થયો સફાયો

તહેરાન- આતંકવાદને નાબૂદ કરવાને લઈને ઈરાન તરફથી મોટું એલાન કરવામાં આવ્યું છે. ઈરાને જણાવ્યું છે કે, ઈરાક અને સીરિયામાંથી આતંકી સંગઠન ISISને નાબૂદ કરવામાં મોટી સફળતા મળી છે. આ અંગેની જાહેરાત ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી અલ ખામનઈની ઓફિસના સૂત્રો દ્વારા કરવામાં આવ્યું છે. જેની પુષ્ટિ ખુદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સ્થાનિક ટીવી ચેનલ પર કરી હતી.

ઈરાન તરફથી કરવામાં આવેલી જાહેરાતને હળવાશથી લઈ શકાય નહીં. કારણ કે, આ એજ દેશ છે જેણે આતંકવાદ સામેની લડાઈમાં ઈરાક અને સીરિયા સાથે પુરતો સહકાર કર્યો હતો.

હવે સવાલ એ ઉદભવે કે, જો ઈરાક અને સીરિયામાંથી ISISના આતંકનો સફાયો થયો છે તો ISISનો આકા અબૂ બકર અલ બગદાદી ક્યાં ગયો? શું તે જીવતો છે કે ખરેખર મરી ગયો છે? આપને જણાવી દઈએ કે બગદાદીના માર્યા ગયાના સમાચાર અનેકવાર મીડિયામાં સામે આવ્યાં છે અને અનેકવાર તે બચી ગયો હોવાના પણ સમાચાર મળતા રહ્યાં છે. તો હવે જ્યારે ઈરાને જાહેરાત કરી છે કે, ઈરાક અને સીરિયા આતંકથી મુક્ત થયાં છે તો આખરે બગદાદીનું શું થયું?

બગદાદીના મોત અંગે ઈરાકની સત્તા, ઈરાકની ઈન્ટેલિજન્સ સંસ્થા, ઈરાકની ફોર્સ અને ઈરાકની પોલીસે પણ અલગ અલગ રીતે ખાત્રી કરીને જણાવ્યું કે, બગદાદી માર્યો ગયો છે. પરંતુ જો તે માર્યો ગયો છે તો તેને કોણે માર્યો, ક્યારે માર્યો, તેના મૃતદેહને કોઈએ જોયો છે કે નહીં? જેવા અનેક સવાલો આજે પણ ફક્ત સવાલો જ છે. જેના જવાબો કોઈ ખાત્રી સાથે આપી શકતું નથી. પરંતુ બગદાદીના મોત અંગે જે છેલ્લા સમાચાર હતાં તેને માન્ય રાખીએ તો, બગદાદીનું મોત આ વર્ષે થયું છે અને તે પણ રશિયન વિમાનોના હુમલામાં.

ઈરાકના સામાન્ય લોકોએ પણ એ વાતનો વિશ્વાસ છે કે, આ વર્ષે 11 જૂને સીરિયાના રક્કા શહેરમાં કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં બગદાદી માર્યો ગયો છે. રક્કા શહેરના જે વિસ્તારને વિસ્ફોટ માટે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ત્યાં ISIS દ્વારા રાખવામાં આવેલા હથિયારોનો મોટો જથ્થો હતો ઉપરાંત ISISનો વડો બગદાદી પણ ત્યાં હાજર હતો, જે વિસ્ફોટમાં માર્યો ગયો હતો.