આખી દુનિયામાં અત્યારે 3.9 બિલિયન લોકો ઘરમાં પૂરાયેલા છે

બેંગકોકઃ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા અડધું વિશ્વ અત્યારે લોકડાઉન છે. આ કિલર વાયરસનો ડર એવો છે કે 3.9 બિલિયન લોકો ઘરમાં બેઠા છે. આ વાયરસના કારણે અત્યારસુધી વિશ્વભરમાં 50,000 થી ધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શુક્રવારના રોજ થાઈલેન્ડ સરકારે પણ કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખતા કર્ફ્યુની જાહેરાત કરી છે.

ઈટલીની રાજધાની રોમમાં કોરોના વાયરસના કહેરને જોતા લોકોને ઘરોમાં નજરબંધ કરવામાં આવ્યા છે. યૂરોપના દેશ બ્રિટન, ફ્રાન્સ, ઈટલી અને સ્પેનમાં લોકોની આવન-જાવન પર પ્રતિબંધ છે. તો એશિયામાં ભારત, નેપાળ અને શ્રીલંકામાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધારે સંક્રમિત લોકોના કેસો અમેરિકામાંથી સામે આવ્યા છે. અહીંયા સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2,45,373 પર પહોંચી ગઈ છે. તો બીજા સ્થાન પર ઈટલી છે કે જ્યાં 1,15,242 લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યારસુધીમાં 50,000 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યારસુધીમાં 1 દિવસમાં સૌથી વધારે મૃત્યુની સંખ્યા અમેરિકામાંથી સામે આવી છે.

જોન હોપકિંસ વિશ્વવિદ્યાલયના આંકડાઓ અનુસાર, અમેરિકામાં આ રોગથી આશરે 6,000 જેટલા લોકોનું મોત થયું છે. આમાંથી 1100 થી વધારે લોકોનું મોત છેલ્લા 24 કલાકમાં થયું છે. આ વૈશ્વિક મહામારીથી આખા વિશ્વની અર્થવ્યસ્થા રિતસરની મુરઝાઈ રહી છે. નવા આંકડાઓ અનુસાર 66.5 લાખ વધારે અમેરિકીઓએ ગત સપ્તાહે બેરોજગારી લાભ માટે ફોર્મ ભર્યા હતા.