કાર્લ માર્ક્સની હસ્તલિખિત નકલનું એક પેજ 5,24,000 ડોલરમાં વેચાયું

બિજીંગ- કાર્લ માર્ક્સ સાથે સંકળાયેલી હસ્તપ્રતનું એક પાનું અહીં એક હરાજી દરમિયાન 5,24,000 ડોલરમાં વેચાયુ હતું. ચીનના સરકારી સમાચાર પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ સ્થાનિક વેપારી ફેંગ લુન દ્વારા આપવામાં આવેલી હસ્તપ્રત તેની પ્રારંભિક કીમત કરતાં 10 ગણી વધારે કીમતે વેચાયું હતું.ચીનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ દસ્તાવેજ, કેપિટલ: ક્રિટિક ઓફ પોલિટિકલ ઈકોનોમીના ડ્રાફ્ટ તરીકે સપ્ટેમ્બર 1850થી ઓગસ્ટ 1853 સુધી લંડનમાં જર્મનીના વિચારક અને ફિલોસોફરે લખેલા 1250 કરતાં વધારે પાનાનો એક ભાગ છે’.

આ હરાજી દરમિયાન કાર્લ માર્ક્સના સમકાલીન ફ્રેડરિક એંગ્લ્સથી સંબંધિત હસ્તપ્રત 16.7 લાખ યુઆનમાં વેચાઈ હતી. એન્જલ્સે કાર્લ માર્ક્સ સાથે ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’ લખ્યું હતું. આ હરાજી એવા સમય દરમિયાન કરવામાં આવી છે, જ્યારે ચીન આ મહિને કાર્લ માર્ક્સની 200મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.