હીના ખાનઃ અનુભવનું ભાથું ભરી આપે એ પ્રવાસ…

ટેલિવિઝન પર દીર્ધકાળ ચાલનારા શો ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ની આદર્શ પુત્રવધૂ અક્ષરા સિંઘાણિયા તરીકે હીના ખાન ઘેર ઘેર જાણીતું નામ બની ગયેલી… પછી ‘ખતરોં કે ખિલાડી’માં એનો નવો અવતાર ટીવી પ્રેમીને ચોંકાવી ગયો, એ ફાઈનલ સુધી પહોંચેલી. એ પછી આવ્યો ‘બિગ બૉસ’ (11) રિયાલિટી શો, જેને કારણે એ આજ સુધી ચર્ચામાં રહી છે.

વૅકેશનની વ્યાખ્યા ?

  • વર્ક-કમ-પ્લેઝર પ્રવાસ, ફૅશન શો કે શૂટિંગ માટે બહારગામ જાઉં તો કામ પત્યે થોડા દિવસ વધુ એ શહેરમાં રહી પડું ને એનું સૌંદર્ય માણું.

છેલ્લે ક્યાં જઈ આવી ?

  • એક ફેશન શો માટે હમણાં જ દુબઈ જઈ આવી.

ફેવરીટ સ્થળ ?

  • લંડન. આ શહેર મને એટલું બધું ગમે છે કે ક્યારેક હું કાયમ માટે ત્યાં વસી જઈશ. લંડનની એકેએક ચીજ મને ગમે છે.

વાચકને કંઇ ભલામણ કરવી હોય તો…

  • લંડન આઈનો આનંદ અચૂક માણજો, પણ શહેરની ખરી મજા લૂંટવી હોય તો એની ફેમસ સ્ટ્રીટ પર સૈરસપાટો કરજો. મારી ફેવરીટ છે ઑક્સફર્ડ સ્ટ્રીટ, મારું મોટા ભાગનું શૉપિંગ ત્યાંથી જ કરું.

ફિલ્મ-ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી કોની સાથે પ્રવાસ પર જવાનું પસંદ કરે ?

  • સાચું કહું તો મને ફૅમિલી સાથે અથવા રૉકી (બૉયફ્રેન્ડ) સાથે ફરવું વધુ ગમે. ફરવું એટલે શું ? જેની સાથે ચાહત હોય એમની સાથે નિરાંતનો સમય પસાર કરવો.

શૉપિંગ-બૉપિંગ?

  • અલબત્ત, યસ ! દરેક શહેરની પોતીકી ચીજ વખણાતી હોય છે. દરેક દેશની પરંપરા, સ્ટાઈલ ખરીદવાનો મને શોખ છે. મને જે-તે શહેરની મુખ્ય માર્કેટમાં ફરવાનો પણ શોખ છે.

ખાણી-પીણી…

  • મને ખાવા-પીવામાં એક્સપરિમેન્ટ કરવા ગમે, લોકલ ફૂડ ટ્રાય કરવું ગમે.

પ્રવાસની કોઈ ખાટી-મીઠી યાદ ?

  • એક વાર અમે સ્વિત્ઝરલેન્ડ ગયેલાં, ત્યાં અમે નક્કી કર્યું કે હવે પછીનો પ્રવાસ આપણે આપણી રીતે કરવો. એટલે અમે યુરો રેલની ટિકિટો લીધી. ઝુરિકથી અમે સ્વિત્ઝરલેન્ડ જ નહીં. પણ યુરોપનાં શહેરના પ્રવાસ કર્યાં. જેમાં આઠેક પ્રકારની ટ્રેન-ટ્રામ-બસ હતાં, ખૂબ ફર્યા. ખરેખર એ મારે માટે યાદગાર પ્રવાસ હતો.

ટ્રાવેલ ટિપ્સ ?

  • ફરવા જાઓ તો એન્જોય કરજો. પ્રવાસ તમને જાતજાતના અનુભવ કરાવશે. દુનિયામાં શું બની રહ્યું છે એ શીખવશે. પાછા ફરો ત્યારે આ બધું તમારા મગજની બૅન્કમાં જમા કરજો.

અહેવાલઃ કેતન મિસ્ત્રી