જેલમાં બંધ ઇમરાન ખાન ત્રણ સીટો પર ચૂંટણી લડશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આગામી વર્ષે આઠ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં જેલમાં બંધ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ત્રણ સીટો પર ચૂંટણી લડશે, એમ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (PTI)એ માહિતી આપી હતી.

PTI નેતા અલી ઝફરે કહ્યું હતું કે ઇમરાન ખાન આઠ ફેબ્રઆરી થનારી સામાન્ય ચૂંટણીમાં લડશે. પાકિસ્તાન ચૂંટણી પંચે તોશાખાના મામલે ઇમરાન ખાનના ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ ત્યાર બાદ કોર્ટે તેમની સજા સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે હાલ તેઓ કેટલાય કેસોમાં જેલમાં બંધ છે.

તોશાખાના કેબિનેટનો એક વિભાગ છે, જ્યાં અન્ય દેશોની સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને વિદેશી મહેમાનો દ્વારા કીમતી ગિફ્ટને રાખવામાં આવે છે. નિયમો હેઠળ અન્ય દેશોના પ્રમુખો અને પ્રતિષ્ઠત લોકો પાસેથી મળેલી ગિફ્ટને તોશાખાનામાં રાખવી જરૂરી છે.

ઇમરાન ખાન 2018માં વડા પ્રધાન બન્યા હતા. તેમને આરબ દેશોની યાત્રાઓ દરમ્યાન ત્યાંના શાસકો તરફથી મોંઘી ગિફ્ટ્સ મળી હતી. આ સાથે તેમને યુરોપીય દેશોના રાષ્ટ્રપ્રમુખો પાસેથી પણ કીમતી ભેટસોગાદો મળી હતી, જેને ઇમરાન ખાને જમા કરી હતી, પરંતુ ઇમરાન ખાને તોશાખાનામાંથી એને સસ્તી કિંમતે ખરીદી અને મોટા નફાએ વેચી દીધી હતી.

દેશમાં નવ ઓગસ્ટે અડધી રાતે પાકિસ્તાનની સંસદ ભંગ કરી દીધી હતી.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડા પ્રધાન શહબાઝ શરીફની સલાહ પર સંસદ ભંગ કરી દીધી હતી. સંસદને ભંગ કરનારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે નેશનલ એસેમ્બલીના બંધારણના આર્ટિકલ 58 હેઠળ ભંગ કરવામાં આવી છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ સત્તાવાર રીતે 12 ઓગસ્ટે પૂરો થતો હતો.