લોરીની ટક્કરથી વૃદ્ધાનું મૃત્યુ નિપજાવ્યું; ભારતીય ડ્રાઈવરને સિંગાપોરમાં જેલ

સિંગાપોરઃ બેફામ રીતે લોરી હંકારીને 79-વર્ષની એક વૃદ્ધાનું મૃત્યુ નિપજાવવા બદલ એક ભારતીય નાગરિકને અહીંની એક કોર્ટે 10-મહિનાની જેલની સજા ફટકારી છે. 40 વર્ષીય લોરી ડ્રાઈવર શિવલિંગમ સુરેશે કોર્ટમાં સુનાવણી વખતે પોતાના ગુનાનો એકરાર કર્યો હતો. અકસ્માતની ઘટના ગયા ફેબ્રુઆરીની 28 તારીખે સવારે 11.30 વાગ્યે બની હતી. બર્નડાટ નામનાં વૃદ્ધા મરીન પરેડ વિસ્તારમાં ઝેબ્રા ક્રોસિંગ પરથી ચાલીને જતાં હતાં ત્યારે સુરેશની લોરીએ એમને ટક્કર મારી હતી. મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પણ માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે એ જ દિવસે સાંજે એમનું મૃત્યુ થયું હતું.

(પ્રતિકાત્મક તસવીર)

સુરેશે ન્યાયાધીશને કહ્યું હતું કે, ‘હું સિંગાપોરમાં ડ્રાઈવિંગ કરીને મારા પરિવારનું ભરણપોષણ કરું છું. અમારા સૌનો આધાર આ કામ પર છે.’ સુરેશને બે વર્ષનો એક પુત્ર છે અને પત્ની છે, પણ એક અકસ્માતમાં એની પત્નીનો એક હાથ કપાઈ ગયો હતો.

સુરેશ બેફામપણે વાહન હંકારવાનો ખરાબ ઈતિહાસ ધરાવે છે. એટલે તે જ્યારે 10-મહિનાની જેલની સજા પૂરી કરીને બહાર આવશે તે પછી આઠ વર્ષ માટે એનું લાઈસન્સ રદ કરાશે. એ સિંગાપોરમાં કોઈ પણ વાહન હંકારી નહીં શકે.

બેફામ રીતે વાહન હંકારીને મોત નિપજાવવાના ગુનાસર સુરેશને ત્રણ વર્ષની જેલ અને 10 હજાર સિંગાપોર ડોલરનો દંડ થઈ શકે એમ હતા.