ઇઝરાયેલના હુમલાથી લેબેનોનમાં 492નાં મોત

મર્જાયુનઃ લેબેનોનમાં સોમવારે કરવામાં આવેલા ઇઝરાયેલી સેનાના ઘાતક હુમલામાં મૃતકોની સંખ્યા 492એ પહોંચી છે, જેમાં 90થી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે. બાળકોની સંખ્યા 35 છે, જ્યારે 1645 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વર્ષ 2006માં  ઇઝરાયેલ-હિજબુલ્લા યુદ્ધ પછી આ સૌથી ભીષણ હુમલો છે. ઇઝરાયેલી સેનાએ હિજબુલ્લાની વિરુદ્ધ વ્યાપક હવાઈ હુમલા હેઠળ દક્ષિણી અને પૂર્વ લેબેનોનના નિવાસીઓને જગ્યા ખાલી કરવા ચેતવણી આપી હતી. હિજબુલ્લાના લડાકુએ પણ 200 રોકેટનો માર્યો કર્યો હતો.

ઇઝરાયલની સેનાએ લેબનોનમાં લગભગ 1100 જગ્યાઓ પર હુમલા કર્યો છે. આ ઉપરાંત પેજર અને વોકીટોકીમાં થયેલા બ્લાસ્ટનું ષડ્યંત્ર પણ ઇઝરાયલે રચ્યું હોવાના દાવા છે. લેબનોન પણ બદલો લેવા તૈયારી કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલ સરકારે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન એટલે કે ઇમરજન્સી જાહેર કરી છે.ઇઝરાયેલ આર્મી (IDF) સોમવાર સવારથી લેબનોનના બેકા વિસ્તારમાં સતત હુમલો કરી રહી છે. હુમલાનો વ્યાપ વધારવાની વાત કરતાં ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે બેકા ખીણને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ એક વિડિયો સંદેશ જાહેર કરીને લેબનોનમાં રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ ચેતવણીને ગંભીરતાથી લો. અમારું ઓપરેશન પૂરું થયા પછી, લેબનીઝ લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.

હજી થોડા દિવસો પહેલાં લેબનોનમાં પેજર એટેક થયો હતો, ઘણા પેજર અચાનક વિસ્ફોટ થયા હતા, જેના પરિણામે 10થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 4000 લોકો ઘાયલ થયા હતા. તે હુમલામાં ઈઝરાયેલની ભૂમિકા સામે આવી હતી, એવું કહેવાય છે કે તે હુમલો મોસાદે કરાવ્યો હતો.