યેરુસલેમઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનનાં સુન્ની-ઈસ્લામિક રૂઢિચુસ્ત, પરંતુ વ્યાવહારિક દ્રષ્ટિ ધરાવતા લોકોના રાષ્ટ્રવાદી સંગઠન હમાસ, બંનેએ એમની વચ્ચે યુદ્ધવિરામ કર્યાની આજે જાહેરાત કરી છે. આ સાથે તેમની વચ્ચે 11 દિવસથી ચાલતા યુદ્ધનો અંત આવ્યો છે. આ યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનના વિસ્તાર ગાઝા સ્ટ્રીપમાં વ્યાપક નુકસાન થયું છે. બીજી બાજુ, ઈઝરાયલમાં પણ જનજીવન સ્થગિત થઈ ગયું છે. આ યુદ્ધને કારણે 244 જણના જાન ગયા છે.
ઈઝરાયના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા મંત્રાલયના અધિકારીઓ સાથે ગઈ કાલે મોડી રાતે બેઠક યોજ્યા બાદ ઈઝરાયલ સરકારે ઈજિપ્તના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. હમાસ ગ્રુપે પણ તરત જ તે પ્રમાણે કર્યું હતું. ગ્રુપના નેતા તાહિર નોનૂએ કહ્યું કે તેઓ સમજૂતીનું પાલન કરશે. ઈજિપ્તની સરકારી સમાચાર સંસ્થા MENAએ કહ્યું કે આ યુદ્ધવિરામ ગઈ કાલ રાતથી અમલમાં આવી ગયું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 11-દિવસ સુધી ચાલેલું યુદ્ધ ખૂબ ભીષણ હતું અને એમાં કોઈ સ્પષ્ટ વિજેતા તરીકે બહાર આવતું નહોતું.