ઇઝરાયેલે ઉત્તર ગાઝામાં કર્યો હુમલોઃ 19 લોકોનાં મોત

કાહિરાઃ ઇઝરાયેલ ગાઝામાં સતત હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ઉત્તર ગાઝા પટ્ટીમાં એક મકાનને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 19 લોકો માર્યા ગયા છે. આ મકાનમાં વિસ્થાપિત લોકોએ શરણ લીધું હતું, એમ પેલેસ્ટાઇનના આરોગ્યના અધિકારીઓએ આ વિસે માહિતી આપી હતી. કમાલ અદવાન હોસ્પિટલે જણાવ્યું હતું કે બેત લાહિયા વિસ્તારમાં રાતઆખી જારી હુમલા પછી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ કેસમાં ઇઝરાયેલની સેનાએ તત્કાળ કોઈ ટિપ્પણી નહોતી કરી.

ઇઝરાયેલ ઓક્ટોબરના પ્રારંભથી ઉત્તરી ગાઝામાં હમાસના આંતકવાદીઓની વિરુદ્ધ સતત હુમલા કરી રહ્યું છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ મૃતકોમાં આઠ લોકો એક જ પરિવારના છે, જેમાં ચાર બાળકો, તેમનાં માતાપિતા અને દાદા-દાદી સામેલ હતા. યુદ્ધનો પ્રારંભ ત્યારે થયો, જ્યારે સાત ઓક્ટોબર, 2023એ હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.

હમાસ તરફથી ઇઝરાયેલમાં કરવામાં આવેલા આ હુમલામાં આશરે 1200 લોકો માર્યા ગયા હતા. એમાં મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા અને લગભગ 250 લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આશરે 100 બંધકો હજી પણ ગાઝાની અંદર છે, જેમાં કમસે કમ એક તૃતીયાંશના માર્યા જવાની આશંકા છે.

બીજી બાજુ, ઓપરેશન ‘બાશન એરો’ હેઠળ ઇઝરાયેલે 48 કલાકની અંદર 350થી વધુ હવાઈ અને દરિયાઈ હુમલાઓ કર્યા છે, જેમાં સિરિયાની 70-80 ટકા વ્યૂહાત્મક લશ્કરી તાકાતનો નાશ કરવામાં આવ્યો છે.