‘બાઈડન બીજીવાર ચૂંટણી લડવા તૈયાર છે’: યૂએસ ફર્સ્ટ લેડી

વોશિંગ્ટનઃ અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડને સ્પષ્ટપણે સંકેત આપી દીધો છે કે એમનાં પતિ પ્રમુખ જૉ બાઈડન બીજી મુદત માટે પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. એસોસિએટેડ પ્રેસ (AP) સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જિલ બાઈડને કહ્યું કે બધું નક્કી જેવું જ છે, માત્ર યોગ્ય સમય આવ્યે જાહેરાત કરાશે.

ડેમોક્રેટિક પાર્ટીના નેતા જૉ બાઈડન ઘણા વખતથી કહેતા આવ્યા છે કે એમનો ઈરાદો દેશના પ્રમુખપદની ચૂંટણી ફરી લડવાનો છે. ‘પ્રમુખપદે ચાલુ રહેવા માટે શું તમે વધારે પડતા ઘરડા નથી?’ એવા સવાલોના જવાબ આપવાનું એમણે ટાળ્યું છે. જોસેફ બાઈડન હાલ અમેરિકાના 46મા પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે અને એમની ઉંમર 80 વર્ષ છે.

ફર્સ્ટ લેડી હાલ આફ્રિકાના દેશોની પાંચ-દિવસની મુલાકાતે ગયાં છે. નાઈરોબીમાં એમને એક ઈન્ટરવ્યૂમાં એમનાં પતિની બીજી મુદત માટે ચૂંટણી લડવાની તૈયારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું, એ તમને કેટલી વાર કહે તો તમને વિશ્વાસ બેસશે? એ કહી ચૂક્યા છે કે એમણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. એમણે જેની શરૂઆત કરી હતી એ કામ એમણે હજી પૂરું કર્યું નથી. એમની એ જ વાત સમજવા જેવી છે.

ઉલ્લેખનીય છે કે બાઈડન આવતા એપ્રિલમાં સત્તાવાર જાહેરાત કરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]