વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના નાણાં વિભાગના એક અધિકારીએ ભારતની UPI (યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સિસ્ટમની પ્રશંસા કરી છે. એમણે કહ્યું છે કે ભારતની UPI સિસ્ટમ સિંગાપોર અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) સહિતના દેશો સાથે દ્વિપક્ષીય વ્યવહારો-સંબંધોને આગળ વધારવામાં મદદરૂપ થઈ રહી છે.
અમેરિકાના નાણાં વિભાગમાં આંતરરાષ્ટ્રીય બાબતો માટેના નાયબ સેક્રેટરી જય શામબાગે હાર્વર્ડ લૉ સ્કૂલ ખાતે આપેલા વક્તવ્યમાં નવી ટેક્નોલોજી અને દેશો વચ્ચેના આર્થિક વ્યવહારો (પેમેન્ટ) વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. એમણે કહ્યું કે, ASEAN દેશો તેમની ઝડપી ચુકવણીની વ્યવસ્થાઓને બહુપક્ષીય રીતે એકબીજા સાથે જોડવાની વધારે મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આમાં, ભારત તેની UPI સિસ્ટમ દ્વારા અન્ય દેશોની વચ્ચે દ્વિપક્ષીય વ્યવહારો-સંબંધોને આગળ વધારતા એક અધિકારક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે.
