લંડનઃ તબીબી ભૂલોને કારણે પુત્રનો જાન ગયા બાદ અહીં રહેતા ભારતીય મૂળના એક નાગરિકે દર્દીઓનાં અધિકારોના રક્ષણ માટે એક ઝુંબેશ શરૂ કરી છે અને એક ચેરિટી સંસ્થા શરૂ કરી છે. જય પટેલ નામના નાગરિકે ‘પેશન્ટ્સ લાઈવ્સ મેટર’ નામે એક ચેરિટી સંસ્થા આ મહિનાના આરંભમાં રજિસ્ટર કરાવી છે. આ સંસ્થા પટેલે એમના 30 વર્ષીય પુત્ર બલરામનું લંડનની એક હોસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ શરૂ કરી છે. કોરોનર કાર્યાલયે પટેલને કહ્યું છે કે તેમણે ગયા મહિને બલરામના થયેલા મૃત્યુના કારણો અને સારવાર આપવામાં થયેલા વિલંબની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
જય પટેલે એક નિવેદનમાં કહ્યું છે કે બલરામનું મૃત્યુ અતિશય પીડા, તકલીફ અને હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને સ્ટાફનાં સભ્યોની દ્વારા થયેલી અસંખ્ય ભૂલો તેમજ સારવારમાં નિષ્ફળતાને કારણે થયું છે. આ કેસમાં સરકાર તપાસ કરાવે જેથી એ જાણી શકાય કે દર્દીની સારવારમાં અને કાળજી લેવામાં શું ખોટું થયું હતું.
પટેલે અપીલ કરી છે કે સંસદ પોતાની વાત સાંભળે અને આવા બનાવ ફરી બનતા અટકાવે. અમે અમારા પુત્રના નિધનથી બહુ જ દુઃખી થયાે છીએ. અમારી ફરિયાદ છે કે બલરામનું મૃત્યુ બિનજરૂરી અતિશય પીડાને કારણે થયું છે. આનું કારણ એ છે કે એની કાળજી અને મેડિકલ સારવાર ઉચિત પ્રકારની નહોતી.