ભારતીય-મૂળનાં ડોક્ટરો તરફથી માતૃભૂમિને લાખો પાઉન્ડની મેડિકલ-સહાય

લંડનઃ માતૃભૂમિ ભારત દેશ હાલ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે ગંભીર હાલતમાં મૂકાઈ ગયો છે ત્યારે એને મદદરૂપ થવા માટે બ્રિટનમાં વસતા ભારતીય મૂળનાં ડોક્ટરો સાથે મળીને આગળ આવ્યાં છે. તેમણે ઓનલાઈન ફંડરેઈઝર્સ મારફત 20 લાખ પાઉન્ડથી પણ વધારે રકમ એકત્ર કરી લીધી છે.

આ ઉપરાંત આ ડોક્ટરો બ્રિટનમાંથી ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો મેડિકલ પુરવઠો મોકલી રહ્યાં છે જેમાં 100 અત્યાધુનિક ટેક્નોલોજીવાળા નોન-ઈવેઝિવ વેન્ટિલેટર્સનો સમાવેશ થાય છે. આ વેન્ટિલેટર્સ દર્દીને એ રીતે ઓક્સિજન આપતા રહે છે જેમાં દર્દીને ઇન્ક્યુબેટ કરવાની જરૂર પડતી નથી. બ્રિટનમાંના આ ડોક્ટરો ઉપરાંત ત્યાંની ચેરિટી સંસ્થાઓ, દાનેશ્વરીઓ તથા બ્રિટનમાં સ્થાયી થયેલા અનેક ભારતીયો પણ ભારતને વિમાનો દ્વારા મોકલાનારી આ મદદમાં સામેલ થયા છે અને મદદનો કુલ આંક 50 લાખ પાઉન્ડને પણ પાર જાય એવી ધારણા રખાય છે. બ્રિટનની ચેરિટી સંસ્થા ‘હોપ ટુ સ્લીપ’નાં સ્થાપક કેથ હોપ દ્વારા 1000 ઓક્સિજન સિલીન્ડર્સ, 20 હજાર ઓક્ઝીમીટર્સ, એર ફિલ્ટર્સ તથા અન્ય મેડિકલ જરૂરી સામગ્રીનો સમાવેશ થાય છે.