લંડનમાં ભારત-તરફીઓનું જોર જોઈને ભારત-વિરોધીઓ ઠંડા પડી ગયા

લંડન – બ્રિટનના નેતા લોર્ડ નઝીરના પાકિસ્તાન-તરફી અને ભારત-વિરોધી સમર્થકોએ ગઈ કાલે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર દેખાવો કર્યા હતા અને કશ્મીરને આઝાદ કરવાના નારા લગાવ્યા હતા, પરંતુ ધીમે ધીમે ભારત-તરફી સમર્થકો વધી ગયા હતા અને એમનું જોર જોઈને વિરોધીઓ ઠંડા પડી ગયા હતા.

લોર્ડ નઝીર બ્રિટનની ઉમરાવ સભાના સભ્ય છે. એ પાકિસ્તાને કબજે કરેલા કશ્મીરમાં જન્મેલા છે. એમનો ઈરાદો શુક્રવારે ભારતના 69મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લંડનમાં ઉજવણી કરાય એ જ વખતે આઝાદ કશ્મીર માટે દેખાવો કરવા. લોર્ડ નઝીર એમના કેટલાક ટેકેદારો સાથે લંડનમાં ભારતીય હાઈ કમિશનની કચેરીની બહાર એકત્ર થયા હતા અને નારા લગાવ્યા હતા. પરંતુ આ વાતની લંડનમાં વસતા ભારતીયોને જ્યારે ખબર પડી ત્યારે તેઓ ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વળતા ભારત-તરફી અને શાંતિ-તરફી જોરદાર નારા લગાવતાં ભારત-વિરોધીઓ ટાઢા પડી ગયા હતા. ભારતીય મૂળના લોકો ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ જેવા ગગનભેદી નારા લગાવ્યા હતા અને અસંખ્ય પ્લેકાર્ડ સાથે આવ્યા હતા. એમના વળતા દેખાવ સામે ભારત-વિરોધીઓ ચૂપ થઈ ગયા હતા.

60 વર્ષીય લોર્ડ નઝીર અને એમના ટેકેદારો એવી બૂમો પાડતા હતા કે ભારતે જમ્મુ અને કશ્મીર ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યું છે.

લોર્ડ નઝીર એક વિવાદાસ્પદ નેતા છે. ઘણા કૌભાંડોમાં એમનું નામ ચમક્યું છે. એક વાર એમણે એવો દાવો કર્યો હતો કે નોબેલ શાંતિ ઈનામ વિજેતા મલાલા યુસુફઝાઈનો જાન લેવાનો પ્રયાસ પાકિસ્તાન સરકારે તાલીબાનનું નામ બદનામ કરવા પોતાના એજન્ટો દ્વારા કરાવ્યો હતો. બાદમાં, એમણે ફેરવી તોળ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]