વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે, ‘દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહ્યાં છે.’ બાઈડનના આ ઉલ્લેખ પાછળનું કારણ એમના વહીવટીતંત્રમાં ભારતીય સમાજનાં લોકોની મોટી સંખ્યામાં કરાયેલી નિમણૂક છે. પ્રમુખપદ સંભાળ્યાને હજી 50 દિવસ પણ નથી થયા અને બાઈડને એમના વહીવટીતંત્રમાં મહત્ત્વના નેતૃત્ત્વના સ્થાનો પર ઓછામાં ઓછા 55 ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરી છે.
તેમણે ગઈ કાલે NASAના વિજ્ઞાનીઓ સાથેના એક વર્ચ્યુઅલ સંવાદમાં કહ્યું હતું કે પોતાના ભાષણનું લખાણ તૈયાર કરનારથી લઈને અવકાશ સંશોધન સંસ્થા NASAના પદ પર ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરાઈ છે. જેમ કે, સ્વાતિ મોહન, મારા ઉપપ્રમુખ કમલા હેરિસ, મારા ભાષણ-લેખક વિનય રેડ્ડી વગેરે. દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહ્યાં છે. (ઉલ્લેખનીય છે કે, સ્વાતિ મોહને NASAના મંગળ ગ્રહ પરના 2020ની સાલના મિશનના માર્ગદર્શન, નેવિગેશન અને કન્ટ્રોલ ઓપરેશન્સમાં આગળ પડતો ભાગ ભજવ્યો છે).