નવી દિલ્હી/ટોરન્ટોઃ કેનેડામાં શીખ અલગતાવાદી કે ખાલિસ્તાનના સમર્થકો દ્વારા ભારત-વિરોધી દેખાવોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે ભારત સરકારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકારની ઝાટકણી કાઢી છે. કેનેડામાં ભારત-વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે ટ્રુડો સરકારે નબળો પ્રતિસાદ આપ્યો છે એવું ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયદેસર ગણાવવા માટે અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકાય નહીં.
ખાલિસ્તાની સમર્થકો દ્વારા કેનેડામાં ભારતીય દૂતાવાસ પર તાજેતરના સમયમાં બે વાર કરવામાં આવેલા હુમલા તથા અન્ય ભારત-વિરોધી પ્રવૃત્તિઓ વિશે ભારત સરકારે કેનેડાની સરકાર સમક્ષ ચિંતા દર્શાવી હતી. શનિવાર, 8 જુલાઈએ શીખ અલગતાવાદીઓએ ઓટાવા શહેરમાં ભારતીય દૂતાવાસની બહાર રેલી કાઢી હતી. તેમાંના લોકોએ સૂચિત ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા અને ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. રસ્તાની સામેની બાજુએ વસાહતી ભારતીયો હાથમાં તિરંગો લઈને શાંતિથી ઊભાં રહ્યાં હતાં.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કેનેડાની સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, કેનેડાની સરકાર ખાલિસ્તાની પ્રશ્નને કેવી રીતે સંભાળે છે એ અમારે મન વર્ષો જૂનો વિષય છે. નિખાલસપણે કહું તો, મને એવું લાગે છે કે એ લોકો (કેનેડાની સરકાર) વોટ-બેન્કનું રાજકારણ ચલાવે છે.
પરંતુ, જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ભારત સરકાર ખોટી છે. કેનેડા હંમેશાં હિંસા અને હિંસાની ધમકીઓને ગંભીરતાથી લેતું આવ્યું છે. અમે આતંકવાદ સામે હંમેશાં ગંભીર પગલું ભર્યું છે અને કાયમ ભરતાં રહીશું.
