કંદહારમાં દૂતાવાસના સ્ટાફને ભારત પાછો બોલાવી લેવાયો

કાબુલ/નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં સુરક્ષાની સ્થિતિ બગડી ગઈ છે અને દેશના દક્ષિણ ભાગમાં આવેલા આ શહેરની આસપાસ નવા વિસ્તારોમાં તાલીબાન ઉગ્રવાદીઓ અંકુશ જમાવી રહ્યા છે તેથી ભારત સરકારે કંદહાર શહેરમાં દેશની દૂતાવાસને કામચલાઉ રીતે બંધ કરી દેવાનો અને ત્યાંના આશરે 50 રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને ભારત પાછા બોલાવી લેવાનો નિર્ણય લીધો છે.

ભારતીય રાજદૂતો તથા કર્મચારીઓને દેશમાં પાછાં લાવવા માટે સરકારે ભારતીય હવાઈ દળનું એક ખાસ વિમાન પણ ત્યાં મોકલ્યું છે. કંદહારની દૂતાવાસમાં ભારત સરકારે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસના જવાનોને ગોઠવ્યા હતા. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી છે. વિદેશ મંત્રાલયે જોકે કહ્યું છે કે કંદહારમાંની દૂતાવાસને બંધ કરવામાં નથી આવી. દૂતાવાસની નજીકના વિસ્તારમાં તીવ્ર લડાઈ ચાલતી હોવાથી સ્ટાફને હાલપૂરતું ખસેડી લેવામાં આવ્યો છે. કંદહારમાંની પરિસ્થિતિ સામાન્યવત્ થાય ત્યાં સુધી આ માત્ર કામચલાઉ પગલું છે. અમે કંદહારમાંની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ.