કોલંબોઃ ચિંગારી ક્યારે આગમાં પરિવર્તિત થઈ જાય-એનું કંઈ કહેવાય નહીં. શ્રીલંકાના કોહુવાલ શહેરમાં છ IT પ્રોફેશનલ્સે પ્રતિદિન 10-10 કલાકના વીજકાપથી કંટાળીને હાથમાં મીણબત્તીઓ અને પોસ્ટર લઈને સરકારનો વિરોધ કરવા ઘરમાંથી નીકળ્યા હતા. શ્રીલંકામાં છ યુવકોએ શરૂ કરેલું વિરોધ પ્રદર્શન સવા બે કરોડ લોકોની વચ્ચે જનઆંદોલનમાં ફેરવાઈ ગયું, જેથી રાજપક્ષે પરિવારને સત્તાથી જ નહી, પણ દેશ છોડવા મજબૂર થવું પડ્યું હતું. કોલંબોમાં PM હાઉસ પર ગુસ્સે ભરાયેલા શ્રીલંકનવાસીઓએ કબજો કરી લીધો છે. દેશમાં ચાર મહિનામાં ત્રણ વાર કટોકટી જાહેર કરવામાં આવી છે.
વાસ્તવમાં તે છ યુવકો જે 10 કલાકના વીજકાપથી પરેશાન હતા, વીજકાપથી શ્રીલંકાના આર્થિક પતનનો પ્રારંભ હતો. શ્રીલંકાનો વિદેશી કરન્સીનો ભંડાર ખાલી થઈ ચૂક્યો હતો. શ્રીલંકા જીવનજરૂરી ચીજવસ્તુઓની આયાત નહોતો કરી શકતો. જેથી શ્રીલંકામાં મોંઘવારીએ માઝા મૂકી છે. શ્રીલંકા દવાઓ, ખાદ્ય પદાર્થો અને ફ્યુઅલની આયાત પર નિર્ભર છે. અહીં જીવનજરૂરી ચીજવસ્તુઓ –જેવી કે અનાજ, ખાંડ, દૂધનો પાઉડર, શાકભાજીની અછત હતી, જેથી આ ચીજવસ્તુઓની કિંમતો બમણી થઈ ગઈ છે.
દેશમાં ડોલરની અછત હતી. તેઓ IT ક્ષેત્રના હતા, તેઓ 10 કલાકના વીજકાપથી બહુ પરેશાન હતા. જેથી પ્રારંભમાં આ છ યુવકો રસ્તા પર પોસ્ટર લઈને ઊભા રહેતા હતા- લોકો તેમની મજાક ઉડાડતા હતા. જોકે એ પછી તેમના આંદોલનમાં 50 લોકો જોડાયા હતા. તેમનું કહેવું હતું કે સામાન્ય રીતે વિરોધ પ્રદર્શન રાજકીય પાર્ટીઓ કરે છે, પણ અમે રસ્તા પર વિરોધ કરવાનું જારી રાખ્યું હતું. બે સપ્તાહ પછી કોલંબોમાં શાંતિથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે પછી હજારો લોકો આંદોલનમાં જોડાતા ગયા હતા. એ પછી જન આંદોલન કોલંબો અને મિરિહાના અને ગાલે સુધી પ્રસર્યું હતું.