રીપુદમન સિંહ મલિક કેનેડામાં ઠાર

સરે (કેનેડા): 1985માં એર ઈન્ડિયાના ‘કનિષ્ક’ વિમાન (ફ્લાઈટ 182)ને બોમ્બ વડે ફૂંકી મારવાના ત્રાસવાદી કૃત્યના કેસમાં જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો તે રીપુદમનસિંહ મલિકને ગુરુવારે્ સવારે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ સમાચારને મલિકના બનેવી જસપાલસિંહે સમર્થન આપ્યું છે. એએનઆઈ સમાચાર સંસ્થાને એણે કહ્યું કે રીપુદમનની હત્યા કોણે કરી એની અમને જાણકારી નથી. રીપુદમનની નાની બહેન કેનેડા જવા રવાના થઈ ગઈ છે.

1985ની 23 જૂને કનિષ્ક વિમાન આયરલેન્ડના સમુદ્રકાંઠા પરથી ઉડી રહ્યું હતું ત્યારે એમાં એક બોમ્બ ફાટ્યો હતો, જેને કારણે 329 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો માર્યા ગયા હતા. એમાં 280 કેનેડિયન નાગરિકો હતા. 29 તો પરિવાર હતા, જે તમામ ખતમ થઈ ગયા. મૃતકોમાં 12 વર્ષથી ઓછી વયનાં 86 બાળકો પણ હતા.

કેનેડામાં ચલાવવામાં આવેલા મુકદ્દમામાં રીપુદમનસિંહ અને એના સહ-આરોપી અજાયબસિંહ બાગરીને 2005માં સામુહિક હત્યાકાંડ અને ષડયંત્રના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરાયો તે પહેલાં રીપુદમન જેલમાં ચાર વર્ષ વીતાવી ચૂક્યો હતો. બાદમાં એણે કાનૂની ફીના વળતર રૂપે 92 લાખ ડોલરની માગણી કરી હતી, પણ ન્યાયાધીશે તેને નકારી કાઢ્યો હતો. કનિષ્ક વિમાનને બોમ્બ વડે ફૂંકી મારવાનું કાવતરું કેનેડામાં ઘડવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]