કેનેડામાં જગમિત સિંહે ટ્રુડો સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો

ટોરેન્ટોઃ કેનેડાની લેફ્ટ વિંગ ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ ટ્રુડો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. જેથી ટ્રુડોની પાર્ટી અલ્પમતમાં આવી ગઈ છે અને સરકાર પડી જવાનું નક્કી માનવામાં આવે છે. જેથી કેનેડામાં સમય પહેલાં ચૂંટણી આવે એવી શક્યતા છે.

કેનેડામાં સામાન્ય ચૂંટણી આમ તો ઓક્ટોબર, 2025માં થવાની છે, પરંતુ હવે ટ્રડોએ સરકાર ચલાવવી હશે તો વિપક્ષનો ટેકો પ્રાપ્ત કરવો પડશે. NDP ના નેતા જગમિત સિંહે ટ્રુડોના સમર્થનને પાછું ખેંચવાની વાત કરતાં કહ્યું હતું કે મારી ધીરજ ખતમ થઈ ગઈ છે. જોકે, ટ્રુડોએ શરૂઆતની ચૂંટણીની વાતોને નકારતાં કહ્યું હતું કે મારી પ્રાથમિકતા કેનેડાની જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે. અમે કેનેડાના લોકો માટે કામ કરીશું અને આશા કરીએ છીએ કે આવનારી ચૂંટણી સુધી અમે પોતાના કાર્યકાળ પૂરા કરીશું.

સમર્થન પાછું ખેંચાયા બાદ ટ્રુડો હવે વિપક્ષ પર નિર્ભર છે, ખાસ કરીને જ્યારે સંસદમાં વિશ્વાસ મતની જરૂર પડશે. જો ચૂંટણી થાય છે તો, હાલના સર્વે મુજબ, ટ્રુડોની લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. ટ્રુડો વર્ષ 2015થી વડા પ્રધાન છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી વિપક્ષ, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી મોંઘવારી અને આવાસના સંકટને લઈને ટ્રુ઼ડોની ટીકા કરી રહ્યો છે.

જગમીત સિંહે હાલ ટ્રુડોના નેતૃત્વ અને ખાદ્ય વસ્તુની વધતી કિંમતોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સિંહે સોશિયલ મિડિયા પર એક વિડિયોમાં કહ્યું હતું કે ‘જસ્ટિસ ટ્રુડોએ વારંવાર કોર્પોરેટ લાલચની સામે નમતું મૂક્યું છે. લિબરલ્સે જનતાને દગો આપ્યો છે તેથી તેમને બીજો મોકો ન મળવો જોઈએ.

જોકે, NDP માટે પણ પરિસ્થિતિ કંઈ વધારે સારી નથી. હાલના સર્વે મુજબ, પાર્ટીનું પ્રદર્શન ત્રીજા નંબરે છે. જોકે જગમીત સિંહે વડા પ્રધાન માટે પોતાની દાવેદારી નોંધાવી છે.