વોશિંગ્ટનઃ કોરોના વાઇરસના મૂળને શોધવા માટે અમેરિકા આકાશપાતાળ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાએ વિશ્વના અન્ય દેશોને સમજાવવાની કોશિશ કરી રહ્યું છે કે કોરોનાનું ઉદગમ સ્થાન ચીનના વુહાનથી જ થયું છે. અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે અમેરિકા અન્ય દેશોની સાથે મળીને કામ કરી રહ્યું છે, જેથી એ સમજાવી શકાય કે કોરોના વાઇરસની ઉત્પત્તિ ચીનના વુહાનથી થઈ છે.
માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે આ વાતની જવાબદારી ચીનની છે કે એ આ વાઇરસ ક્યાંથી આવ્યો એ વિશ્વને જણાવે. ચીનને ડિસેમ્બર, 2019માં આ વાઇરસ વિશે માલૂમ પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે અમેરિકામાં થયેલા મોતો અનમે આ વાઇરસને લીધે અર્થતંત્ર પર પડેલી અસર માટે પક્ષોને જવાબદાર ઠેરવવાની જરૂર છે.
ચીન જવાબદાર હશે તો એણે પરિણામ ભોગવવાં પડશે
આના પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની સામે કડક વલણ અપનાવતાં સંકેત આપ્યો હતો કે જો કોરોના સંકટ માટે ચીનને જવાબદાર ઠરશે તો એને પરિણામો ભોગવવાં પડશે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે કોરોના વાઇરસને ચીનમાં શરૂ થતાં પહેલાં રોકી શકાત, પણ આવું નથી થયું અને આ સંપૂર્ણ વિશ્વમાં આ વાઇરસ ફેલાઈ ગયો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે જો ચીને જાણીબૂઝીને આ વાઇરસ સામે આંખ આડા કાન કર્યા હશે અથવા ફેલાવ્યો હશે તો એણે પરિણામ ભોગવવાં પડશે, પણ જો આ માત્ર ભૂલ હશે તો એ ચીનની છેલ્લી ભૂલ હશે. ડિસેમ્બરમાં ચીનના વુહાનથી કોરોના રોગચાળો વિશ્વભરમાં ફેલાયો હતો.