કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને ટ્રમ્પે કહ્યુંઃ રિપોર્ટ ખોટો છે…

વોશિગ્ટન: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ છે જેથી તેના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે. અટકળોના દોર વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે તેના નિવેદનમાં કિમ જોંગ અત્યંત બિમાર હોવાના રિપોર્ટને સંપૂર્ણ રીતે ખોટો ગણાવ્યો છે.

ટ્રમ્પે આ મામલે એક ટીવી ચેનલની ટીકા કરતા કહ્યું કે, આ ખબર પ્રસારિત કરનાર ચેનલે જૂના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. મને લાગે છે કે, આ રિપોર્ટ ખોટો છે. જોકે કિમ જોંગ સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં એ સવાલના જવાબમાં ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નહતી.

મહત્વનું છે કે, સોમવારે એવા અહેવાલ આવ્યા હતા કે, સર્જરી બાદ કિમની સ્થિતિ અત્યંત નાજૂક છે અને એવી પણ અટકળો ચાલી રહી હતી કે, તે બ્રેન ડેઈડ છે. કિમ તાજેતરમાં તેમના દાદાના જન્મ દિવસની ઉજવણીમાં પણ ગેરહાજર રહયો હતો.