જ્યારે હોસ્પિટલનો સ્ટાફ આ નિરાધાર બાળકોનો આધાર બન્યો…

અમદાવાદ: ચાર દિવસ પહેલાની વાત છે, સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવવામાં આવ્યો. આ દર્દી શંકાસ્પદ જણાતા તેને દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની સાથે ત્રણ માસૂમ બાળકો પણ હતા. ૩ વર્ષની નાની જાનકી, ૬ વર્ષનો શૈલેષ અને અરૂણ દંતાણી નામના આ ત્રણ માસૂમ બાળકોના પિતાને તો સારવાર માટે દાખલ કરી દેવાયા. આ નિરાધાર બાળકો કોરોના માટેની ખાસ હોસ્પિટલના પ્રાંગણમાં રાત્રે એકલા રમી રહ્યા હતા.

કોવિડ-૧૯ માટે ખાસ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલના ક્લિન રૂમમાં રમતા ત્રણ બાળકોને જોઈને સમગ્ર હોસ્પિટલના સ્ટાફના ચહેરા પર એક હેત ઉભરાયાનો ભાવ સ્પષ્ટ વરતાતો હતો. આ બાળકોના પિતા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ છે તેથી માસૂમ બાળકોને નર્સિંગ સ્ટાફ વાલી બનીને સાચવે છે.

કોઈ ઋણાનુબંધ ગણો કે ગુજરાતના સંસ્કાર, પણ કોઈને આ બાળકો અજાણ્યા લાગતા નથી. બાળકોને જમાડવા, રમાડવા અને જે જોઈએ તે લાવી આપવા માટે જાણે કે તંત્ર તત્પર છે. આ બાળકોને આજે સલામતીના કારણોસર શહેરના શાહીબાગ સ્થિત આશ્રય ગૃહમાં લઈ સ્પેશિયલ વાનમાં લઈ જવાયા ત્યારે સ્ટાફ પૈકી કેટલાય લોકોની આંખમાંથી આસું રોકાતાં નહતાં.

હોસ્પિટલના ડીન ડોક્ટર મૈત્રેય ગજ્જર કહે છે કે તેઓને તેમના પિતાની સાથે અહીં લાવવામાં આવ્યા હતાં.  લઘર-વઘર પહેરવેશ, માથું ઓળ્યા વગરના વાળ અને ભૂખથી નંખાઇ ગયેલા ચહેરા તેમની હાલતની ચાડી ખાતા હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ બનાવાયેલા વોર્ડમાં આ બાળકોને ટ્રાન્સફર કરી તેમની મેડિકલ તપાસ કરતાં તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા નહીં. એ અમારા માટે સૌથી મોટી રાહત હતી.

આ માસૂમો એટલા માનસિક આઘાતમાં હતા કે, તેઓ પોતાના નામ પણ આપી શકતા નહતા. મહામહેનતે તેઓએ તેમના નામ આપ્યા. તેમાં પણ ત્રણ વર્ષની જાનકીને તો આજે પણ ખબર નથી કે તે ક્યાં છે. આ બાળકો માટે આ સિવિલ હોસ્પિટલ જ તેમનું ઓઢણું અને ઘર હતી. આ બાળકોને તેના પિતા સિવાય પરિવારમાં કોઈ પણ નથી.

આ બાળકો એટલા નાના છે કે તેમને ઘર શું છે તેની પણ ખબર નથી એટલે જ કદાચ વિદાય વખતે પણ તેમની આંખોમાં કોઇ વેદના કે વિશાદ દેખાતો ન હતો. એમને એ પણ ખબર નથી કે આવતીકાલનું તેમનું ભવિષ્ય શું છે? તેમના પિતાને પણ ખબર નથી કે તેમના બાળકો શું કરે છે? તેવી હ્યદયદ્વાવક પરિસ્થિતિ વચ્ચે પણ ડોક્ટર્સ અને નર્સે પૂરવાર કરી દીધું કે તેઓ ખરા અર્થમાં દેવદૂત જ છે.