રાજ્યના ત્રણ જિલ્લા જ કોરોના મુક્ત

ગાંધીનગરઃ કોરોનાનો કાળો કહેર અટકવાનું તો દૂર પણ ધીમો પડવાનું પણ નામ લઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદીઓ માટે ખુબ જ આઘાતજનક બાબત એ છે કે, 15માંથી 14 મોત માત્ર અમદાવાદમાં જ થયા છે. જેમાંથી 7 લોકોને ડાયાબીટીસ અને બીપી જેવી સમસ્યા હતી. જ્યારે 14માંથી 7 સ્ત્રી અને 7 પુરુષોનો સમાવેશ થાય છે.

કોરોના અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ સ્થિતિ અંગે જણાવ્યું છે કે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.

જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 30 જિલ્લામાં કોરોનાના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં લૉકડાઉનથી વધુ સંક્રમણ અટક્યું છે. હજુ ગુજરાત માટે સારું કહી શકાય તેમ છે કે, ત્રણ જિલ્લામાં કોરોનાના કેસ સામે આવ્યા નથી. હજુ બે મહિના સુધી લડાઈ ચાલશે. બીજી બાજુ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસના દર્દીઓમાં હવે તેના લક્ષણો દેખાઈ રહ્યા નથી. શહેરમાં 80 ટકા કેસમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી. આ રોગથી હંમેશા માટે મુક્ત રહેવુ અશક્ય છે. જેથી ગંભીર બીમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. શહેરમાં વૃદ્ધ, સગર્ભા, બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરું છે.