અહીં તો આખા ગામને લાગ્યો રાષ્ટ્રભક્તિનો રંગ

અમદાવાદ: દેશ કોરોના સામે જંગે ચડ્યો છે ત્યારે દેવભમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક અનોખું કાર્ય થયું છે. અહીં આવેલા વેરાડ નામના નાનકડા ગામે મોટી સખાવત કરીને પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો છે. તાજેતરમાં વેરાડ ગામે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1, 11, 111 રૂપિયાની રકમ જમા કરાવી છે.

કોરોના સામે લડવા દેશમાં જ્યારે સખાવતની જરૂર વર્તાવવા લાગી અને વડાપ્રધાનના આહવાનથી અનેક હસતીઓ ને નાગરિકો પોતપોતાનાથી બનતી રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા લાગ્યા ત્યારે વેરાડ ગામમાં પણ હિલચાલ થઈ.

આ અંગે વિવેકભાઈ નકુમે chitralekha.com સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગામના સરપંચ, પચાંયતના સભ્યો અને અન્ય આગેવાનોએ ટેલિફોનિક કોન્ફરન્સ કરી નક્કી કર્યું કે આ આપણી જવાબદારી નિભાવવાની તક છે અને આ રાહત નિધિમાં આપણે પણ ફંડ આપવાનું છે. ગામમાં આગેવાનો ત્રણ-ત્રણની ટુકડીઓ બનાવી-સોશિયલ ડિસ્ટિન્સિંગથી ફાળો મેળવવા લાગ્યા.

ગામની મહિલાઓ ડેલીઓ ખોલતા જ કહવા લાગી છે લ્યો ભાઈ આ અમારો ફાળો. નાના છોકરાઓએ પણ પોતાના ગલ્લા ખોલીને આ નિધિમાં ફાળો આપ્યો છે. ગામના વૃદ્ધોએ, ઢોલીઓએ, શાકભાજીવાળાઓએ પણ ફાળો આપ્યો છે. ગામના દિવ્યાંગોએ પણ પોતાનાથી બનતો ફાળો આ નિધિમાં જમા કરાવ્યો છે. જોતજોતામાં ફાળાની રકમ એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા થઈ ગયો.

(પરેશ ચૌહાણ)