બંગલાદેશ બોર્ડર પર ભારત આવવા માટે સેંકડો હિન્દુઓની ભીડ

નવી દિલ્હીઃ બંગલાદેશની સ્થિતિથી ભારત બહુ ચિંતિત છે. શેખ હસીના સરકાર તૂટી પડ્યા પછી હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં હિન્દુ બંગલાદેશ છોડીને ભારત આવવા ઇચ્છે છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ભારત-બંગલાદેશ બોર્ડર પર સેંકડો લોકોની ભીડ જોવા મળી રહી છે.

પશ્ચિમ બંગાળના કૂચ બિહારના સીતલકૂચીમાં પઠાણટુલી સ્થિત ઇન્ડિયા બંગલાદેશ બોર્ડરે મોટી સંખ્યામાં લોકો જમા છે. એને ઝીરો પોઇન્ટ પર BSF દ્વારા અટકાવવામાં આવ્યા છે. આ વિડિયોમાં ભારતીય જવાનોથી બોર્ડર ક્રોસ કરવાની દેવાની આજીજી કરતા માલૂમ પડે છે. આ વિડિયોમાં બંગલાદેશના હિન્દુઓ કહી રહ્યા છે કે ‘ભારત સરકાર દરવાજા ખોલો’ના નારા લગાવી રહ્યા છે.

બંગલાદેશના ટુરિસ્ટ વિસા પર ભારત આવેલા પર્યટકોએ ત્યાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની વાત માની હતી. બંગલાદેશના નિલ્ફામેરીથી ભારત આવેલા સાઝિયા સુલતાનાએ જણાવ્યું હતું કે ત્યાં અલ્પસંખ્યકો પર હુમલા થઈ રહ્યા છે.બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે. આ હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે. આટલું જ નહીં, હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બંગલાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે. આ સમિતિ ભારત બંગલાદેશની સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X  પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. એ સાથે-સાથે તેમણે હિન્દુઓની સુરક્ષાને લઈને સરકારને આડકતરી ટકોર કરી છે. PM મોદીએ કહ્યું છે કે પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બંગલાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.