હાફીઝ સઈદે ચૂંટણીરેલી દરમિયાન ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી

ઈસ્લામાબાદ- સમગ્ર વિશ્વમાં આતંકનો પર્યાય બની ચૂકેલા અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદ હાલમાં પાકિસ્તાનની ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે અને રેલીઓમાં સંબોધન કરી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે હાફિઝ સઈદ ચૂંટણી રેલીમાં પણ ભારત વિરુદ્ધ ઝેર ઓકીને મત મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. હાફિઝને મત મેળવવાની ભૂખ એટલી વધી ગઈ છે કે, તેણે ચૂંટણી રેલીમાં ભારત ઉપર પરમાણુ હુમલો કરવાની ધમકી પણ ઉચ્ચારી દીધી.ગતરોજ પાકિસ્તાનના ફૈસલાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં આતંકી હાફિઝ સઈદે કહ્યું કે, પાકિસ્તાનને તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ માટેનો આરોપ તેણે ભારત પર લગાવ્યો અને કહ્યું કે, બાંગ્લાદેશની જેમ હવે ભારત પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાન પણ અલગ કરવા ત્યાંના લોકોને ભડકાવી રહ્યું છે.

પોતાની રેલીમાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદે પાકિસ્તાનની પરમાણુ તાકાત અને મિસાઈલ ટેકનોલોજી અંગે પણ લોકો સમક્ષ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. હાફિઝે કહ્યું કે, પાકિસ્તાન પાસે એવી ટેકનોલોજી છે જેનાથી ભારત સહિત અમેરિકા અને રશિયા પણ પાકિસ્તાન સામે ઘૂંટણીયે પડી જશે. મિસાઈલ ટેકનોલોજી અંગે હાફિઝે ત્યાં સુધી કહ્યું કે, ભારત સાથે ઈઝરાયલ પણ પાકિસ્તાની મિસાઈલના ટાર્ગેટ ઉપર છે. પરંતુ આ મિસાઈલો ક્યાં છુપાવવામાં આવી છે તેની માહિતી કોઈ દેશ મેળવી નહીં શકે.

મહત્વનું છે કે, પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આતંકી હાફિઝ સઈદ સમર્થિત અલ્લા-હૂ અકબર પાર્ટીના 200થી વધુ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં હાફિઝનો દીકરો તલ્હા અને જમાઈ પણ ચૂંટણી લડી રહ્યાં છે.