વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કરેલી જાહેરાત મુજબ મંગળવારે બપોરે અહીં એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે રૂઝવેલ્ટ રૂમમાં દિવાળી તહેવારની ઉજવણી કરી હતી. એમણે દીપ પ્રગટાવ્યો હતો અને ટૂંકું નિવેદન પણ કર્યું હતું.
લગભગ 10-મિનિટના આ પ્રસંગે એમણે કહ્યું કે એમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ જ માન છે અને પોતે ટૂંક સમયમાં જ એમની સાથે વાતચીત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને મોદી આવતી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે આર્જેન્ટિનામાં મળવાના છે. ત્યાં તેઓ G-20 શિખર સંમેલનમાં હાજરી આપવા જવાના છે. બંને નેતા એ વખતે વ્યક્તિગત રીતે મળશે એવી ધારણા છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણી વખતે અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સિંહ સરના પણ ઉપસ્થિત હતા. એ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે, ‘હું ટૂંક સમયમાં જ એમની (મોદી) સાથે વાતચીત કરીશ. થેંક્યૂ.’
સરનાએ પણ એના જવાબમાં કહ્યું કે, ‘તમને મળવાનું એમને પણ ગમશે.’
વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણી પ્રસંગે નવતેજ સિંહ સરના વિશેષ આમંત્રિત હતા. ટ્રમ્પે કહ્યું કે એમને ભારત પ્રતિ પ્રેમ છે. ‘અમને તમારા દેશ માટે પ્રેમ છે. મને તમારા વડા પ્રધાન મોદી માટે ખૂબ ખૂબ માન છે… અત્યંત માન છે. એટલે પ્લીઝ એમને મારી ઉષ્માભરી શુભેચ્છા આપશો,’ એમ ટ્રમ્પે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને મોદી વચ્ચે અંગત રીતે ગાઢ મિત્રતા થઈ ગઈ છે.
ટ્રમ્પની દિવાળી ઉજવણીમાં જોકે થોડોક બિનજરૂરી વિવાદ થયો છે. એમણે પોતાના દિવાળી ટ્વીટમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કર્યો નહોતો. બાદમાં બીજા ટ્વીટમાં એમણે પોતાની ભૂલ સુધારી હતી.
httpss://twitter.com/realDonaldTrump/status/1062450942707228672
httpss://twitter.com/realDonaldTrump/status/1062455263247155200
httpss://twitter.com/politico/status/1062420884542181376