છેતરપીંડીઓ, સ્પેમ વિશે જીમેલ યૂઝર્સને ગૂગલની ચેતવણી

મુંબઈઃ ગૂગલ કંપનીએ તેના જીમેલ વપરાશકારોને રજાની મોસમને લગતા પાંચ મુખ્ય કૌભાંડો અને સ્પેમ (અનિચ્છનીય સંદેશા)ઓ અંગે સાવચેત કર્યા છે. કંપનીએ જીમેલ યૂઝર્સને સલાહ આપી છે કે તેમણે ગિફ્ટ કાર્ડ અને મફતની ચીજવસ્તુઓની લાલચ આપતી છેતરપીંડીઓ, દાન-ધર્માદા સંબંધિત કૌભાંડો, વસ્તીવિષયક કૌભાંડો, સભ્યપદ નૂતનીકરણની છેતરપીંડીઓ અને ક્રિપ્ટો કૌભાંડોથી બચવું.

ટેક્નોલોજી ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપની તો એના યૂઝર્સને પ્રતિદિન આશરે 15 અબજ જેટલા અનિચ્છનીય સંદેશાઓ સામે રક્ષણ આપે જ છે અને 99.9 ટકાથી પણ વધારે પ્રમાણમાં સ્પેમ, ફિશિંગ (છેતરામણા સંદેશા) અને મેલવેર (કમ્પ્યુટર સોફ્ટવેર વાઈરસ)ને બ્લોક કરે છે. કંપનીએ કહ્યું છે કે હાલ હોલીડે મોસમ એની પરાકાષ્ઠાએ હોય ત્યારે ગિફ્ટ કાર્ડ અને મફતિયા ચીજવસ્તુઓની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરતા કૌભાંડો સામાન્ય વાત બનતી હોય છે. કૌભાંડકારો પોતે એક માન્યતાપ્રાપ્ત વેચાણકાર હોવાનો ઢોંગ કરીને ગ્રાહકોને એમના ક્રેડિટ કાર્ડ નંબરના બદલામાં કોઈ મફત ભેટ આપીને કે ગ્રાહકોને કોઈ ગિફ્ટ કાર્ડ ખરીદવા લલચાવીને એમને શિકાર બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.

(તસવીર સૌજન્યઃ freepngimg.com)