વોશિંગ્ટનઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આ જીવલેણ બીમારીની વેક્સિનને લઈને જલ્દી જ મોટા સમાચારો અમે આપી શકીએ છીએ. ટ્રમ્પે કહ્યું કે, અમે ગઈકાલે વેક્સિનને લઈને એક બેઠક કરી હતી આમાં અમે ખૂબ સારુ કરી રહ્યા છીએ. અમે જલ્દી જ કોઈ સારા સમાચારો આપી શકીએ છીએ. વેક્સિનને વિકસિત કરવાને લઈને અપેક્ષા કરતા વધારે પ્રગતિ કરી છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ કોરોના વાયરસની વેક્સિનના 20 લાખ ડોઝ તૈયાર કરી લીધા છે. જો સુરક્ષાની દ્રષ્ટીએ આ યોગ્ય સાબિત થાય તો આ વેક્સિનને હોસ્પિટલોમાં મોકલવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક પણ આની તપાસ કરી રહ્યા છે કે આ વેક્સિન મનુષ્યો માટે સુરક્ષિત છે કે નહી.
કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને એકવાર ફરીથી ચીનને યાદ કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે આખી દુનિયા સાથે કામ કરી રહ્યા છીએ અને ચીન સાથે પણ કામ કરીશું. અમે બધાની સાથે મળીને કામ કરીશું. પરંતુ જે થયું તે નહોતું થવું જોઈતું. કોરોના વાયરસ ચીનનો ઉપહાર છે. આ સારુ નથી. તેમને આની શરુઆતના સમયે જ આના પર કંટ્રોલ કરી લેવો જોઈતો હતો. વુહાન કે જ્યાંથી આ વાયરસ નિકળ્યો હતો ત્યાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી પરંતુ છતા પણ આ ચીનના અન્ય ભાગોમાં ફેલાયો નથી.