ટોક્યોઃ જાપાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ફૂમિઓ કિશિદા દેશના નવા વડા પ્રધાન તરીકે આજે ચૂંટાઈ આવ્યા છે. 64 વર્ષીય કિશિદા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. આજે યોજાયેલા સંસદીય મતદાનમાં કિશિદા એમના હરીફ યૂકિઓ ઈદાનો સામે મતોના આસાન માર્જિનથી વિજેતા બન્યા હતા. એક વર્ષ સુધી વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ પદ પરથી રાજીનામું આપનાર પોતાની જ પાર્ટીના યોશિહિદે સુગાના કિશિદા અનુગામી બન્યા છે.
કોરોનાવાઈરસ રોગચાળાની પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ જવા બદલ અને વાઈરસ ફેલાયો હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક્સનું આયોજન કરવાનો આગ્રહ રાખવા બદલ સુગાની સરકારની દેશભરમાં આકરી ટીકા કરાઈ હતી એને પગલે તેમને રાજીનામું આપવું પડ્યું છે.