ભ્રષ્ટાચારનો કેસઃ ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની ધરપકડ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની આજે અહીં હાઈકોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન ખાન (70)ની ધરપકડ ભ્રષ્ટાચારને લગતા એક કેસના સંબંધમાં કરવામાં આવી છે. કેસની સુનાવણી વખતે હાજર રહેવા માટે ઈમરાન ખાન કોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અદાલતની બહાર અર્ધલશ્કરી દળ રેન્જર્સના જવાનો દ્વારા એમને અટકમાં લેવામાં આવ્યા હતા અને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. ઈમરાન લાહોરથી ઈસ્લામાબાદ આવ્યા હતા.

(ફાઈલ તસવીર)

ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદમાં પોલીસે 144મી કલમ લાગુ કરી દીધી છે, જે અંતર્ગત કોઈ પણ જાહેર સ્થળે ચાર કે તેથી વધારે વ્યક્તિઓનાં એકત્ર થવા પર પ્રતિબંધ છે.

અદાલતની બહાર ઈમરાનની કાર આવી પહોંચી કે તરત જ પોલીસો એને ઘેરી વળ્યા હતા. પીટીઆઈ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાન ખાનના વકીલનો એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે વકીલ હાઈકોર્ટની બહાર બહુ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા છે. વકીલના ચહેરા પર અનેક જખમમાંથી લોહી નીકળતું વિડિયોમાં જોઈ શકાય છે.

પાર્ટીના એક નેતાએ દાવો કર્યો છે કે રેન્જર્સ દ્વારા ઈમરાન ખાનનું અપહરણ કરવામાં આવ્યું છે. રેન્જર્સના જવાનોએ પીટીઆઈના વકીલની મારપીટ કરી હતી અને ઈમરાનનું અપહરણ કર્યું છે. તેઓ હવે ઈમરાન ખાન પર જુલમ ગુજારશે. એમની પણ મારપીટ કરશે.