મોસ્કો – રશિયાના સાઈબેરિયા પ્રાંતના પશ્ચિમ ભાગમાં આવેલા ઔદ્યોગિક શહેર કેમેરોવોના એક શોપિંગ મોલમાં લાગેલી ભયાનક આગમાં અનેક બાળકો સહિત ઓછામાં ઓછા 64 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે.
આ દુર્ઘટનામાં બાળકો સહિત બીજા ઘણાં લોકો લાપતા હોવાનું કે અંદર ફસાયા હોવાનું મનાય છે.
આગ મોલના ઉપરના માળ પર લાગી હતી.
વિન્ટર ચેરી કોમ્પ્લેક્સ નામના મોલમાં આ દુર્ઘટના બની હતી. રવિવારે રજાનો દિવસ હોઈ મોલમાં લોકોની ખૂબ ભીડ હતી.
આ મોલમાં દુકાનો, રેસ્ટોરન્ટ અને બે થિયેટર છે. આગ એમાંના એક થિયેટરમાં લાગી હતી અને ઝડપથી આખા મોલમાં ફેલાઈ હતી. આશરે 120 જણને બચાવી લેવામાં આવ્યા છે.
httpss://twitter.com/DashaOy/status/977861048001851393
આગ લાગતાં લોકોએ નાસભાગ કરી મૂકી હતી. મોલની અંદરના થિયેટરમાં ઘણા લોકો ફસાયા હોવાનું કહેવાય છે.
આગ લાગ્યાની જાણ થતાં આશરે 300 જેટલા ફાયરફાઈટર્સ મોલ ખાતે પહોંચી ગયા હતા. તેઓ લગભગ છ કલાકે આગને કાબુમાં લાવવામાં સફળ થયા હતા.
કેમેરોવો શહેર રશિયાના પાટનગર મોસ્કોથી લગભગ સાડા 3 હજાર કિ.મી.ના અંતરે આવેલું છે. આ શહેર કોલસાના ઉત્પાદન માટે જાણીતું છે.