ખાદ્યાન્નના અભાવે 12 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિના આરે: UN

જેનેવા- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં ખાદ્યાન્નના અભાવે ભૂખમરાની સ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. અને કરોડો લોકો અનાજના અભાવે મરવાની સ્થિતિ સુધી પહોંચી ગયા છે. એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, ગત વર્ષની સરખામણી કરતાં ભૂખમરાથી પીડાઈ રહેલા લોકોની સંખ્યા 12 કરોડ 40 લાખ સુધી પહોંચવાનું અનુમાન છે.આ લોકોને જો જલદી ભોજન પહોંચાડવામાં નહીં આવે તો તેનું મોત થવાની પણ સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીના પ્રમુખે આશંકા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલીએ જણાવ્યું કે, ‘ભૂખથી પીડાઈ રહેલા લોકો એક-બીજાની હત્યા કરતાં પણ અચકાતા નથી’.

ડેવિડ બીસલીએ એક વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરક્ષા પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ભૂખમરાની સ્થિતિ સામે સંઘર્ષ કરી રહેલા આશરે 3 કરોડ 20 લાખ લોકો સોમાલિયા, યમન, દક્ષિણ સૂદાન અને ઉત્તર-પૂર્વ નાઈજીરિયા જેવા આર્થિક પછાત દેશોમાં રહે છે. આ દેશોને ગત વર્ષે દુષ્કાળની સ્થિતિમાંથી બચાવવામાં આવ્યા હતા.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિર્દેશકે આ અંગે જણાવ્યું કે, ‘ભૂખ અને સંઘર્ષ વચ્ચેનો સંબંધ વિનાશ નોતરે છે. આ સંઘર્ષથી ખાદ્ય અસુરક્ષા ઉદભવે છે અને ખાદ્ય અસુરક્ષા અસ્થિરતા અને તણાવમાં પરિણમે છે. જે આખરે હિંસાનું સ્વરુપ ધારણ કરે છે’.

ડેવિડ બીસલીએ જણાવ્યું કે, વૈશ્વિકરુપે લાંબા સમયથી ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહેલા આશરે 81 કરોડ 50 લાખ લોકોમાંથી 60 ટકા લોકો યુદ્ધગ્રસ્ત અને સંઘર્ષ કરી રહેલા વિસ્તારોમાં રહે છે. અને તેમને એ પણ ખબર નથી હોતી કે, બીજીવાર ખાવાનું મળશે કે અથવા નહીં? અને મળશે તો ક્યાંથી મળશે?